જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં મધ્યરાત્રિના ઓફિસમાં કામ કરતા વેપારી યુવાનને શખ્સે મોડીરાત્રે ઓફિસ ખુલ્લી રાખવા બાબતે ફડાકા મારી છરી બતાવી ધમકી આપી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચવટી ભૂતબંગલા પાસેના વિસ્તારમાં રહેતાં પાર્થ રોહિતભાઈ ઠાકર (ઉ.વ.27) નામનો યુવાન બુધવારે મધ્યરાત્રિના બે વાગ્યાના અરસામાં ગોકુલધામ સોસાયટીમાં આવેલા શિવમ એવન્યુ 2 એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરની એકસપોર્ટની ઓફિસમાં કામ કરતો હતો તે દરમિયાન સફેદ ક્રેટા કારના ચાલક હરપાલસિંહ ગેડી નામના શખ્સે પાર્થને મોડી રાત્રે ઓફિસ ખુલ્લી રાખવા બાબતે બોલાચાલી કરી કાઠલો પકડી ફડાકા ઝીંકી ગાળો કાઢી હતી અને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઈ ડી જી રાજ તથા સ્ટાફે પાર્થના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.