જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાન ઉપર એક શખ્સે અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ઢીચડા ગામમાં વાહન રાખવા બાબતે એક શખ્સે યુવાનને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
મારામારીના બનાવોની વિગત મુજબ, પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતો નાનજી ખીમા ચાવડા નામનો મજૂરીકામ કરતો યુવાન રવિવારે બપોરના સમયે ગામમાં આવેલી અનાજની દુકાનના ઓટા પાસે બેઠો હતો ત્યારે નરશી મેણંદ ચાવડા નામના શખ્સે આવીને નાનજીને કઈંક કામ ધંધો કેમ કરતો નથી ? તેમ કહી અપશબ્દો બોલતા નાનજી એ અપશબ્દો બોલવાની ના પાડતા નરશીએ ઉશ્કેરાઈને ઢીકાપાટુનો માર મારી અને પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે નાનજી ચાવડાના નિવેદનના આધારે હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે નરશી ચાવડા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના ઢીચડા ગામમાં રહેતો હતો અને કલરકામ કરતો હિતેશ પેથા સુરડીયા નામના યુવાનના ઘર પાસે બોલેરો વાહન નડતરરૂપ થવાથી વાહન ન રાખવાનું જણાવતા હિતેશ સવજી સુરડિયા એ ઉશ્કેરાઈને અપશબ્દો બોલીને હિતેશ પેથા સુરડિયાને ઢીબી નાખ્યો હતો અને ત્યારબાદ પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરતા હેકો જે.કે. દલસાણિયા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામવાડીમાં નજીવી બાબતે યુવાનને લમધારી ધમકી આપી
ઓટલા ઉપર બેસેલા યુવાનને કામ-ધંધા સંદર્ભે માર માર્યો : એક શખ્સ વિરૂધ્ધ ફરિયાદ: ઢીચડામાં વાહન રાખવા બાબતે ઢીબી નાખ્યો