જામનગર શહેરમાં વિકાસ સ્કૂલ સામે દુકાનદાર પિતા-પુત્રને દુકાન ખોલવાની ના પાડી શખ્સે ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં સરૂ સેકશન રોડ પર રહેતા અને વિકાસ સ્કૂલની સામે વેપાર કરતાં મનિષભાઇ બાબુલાલ ઠક્કર નામના વેપારી યુવાન ગત્ તા. 05ના રોજ બપોરના સમયે આશાપુરા રસધારા નામની દુકાન પાસે હતા ત્યારે બળદેવસિંહ ઉર્ફે લાલિયો સાહેબજી જાડેજા નામના શખ્સે આવીને મનિષભાઇને દુકાન બંધ કર અને હવે ખોલતો નહીં તેમ જણાવતા વેપારીએ અમારી દુકાન છે તો તું અમને અમારી દુકાન ખોલવાની કેમ ના પાડે છે? તેમ જણાવતાં બળદેવસિંહ ઉશ્કેરાઇ ગયો હતો અને મનિષભાઇ તથા તેના પુત્રને જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે મનિષભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ બળદેવસિંહ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


