ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ રાજ્યની 700 જેટલી શાળાઓમાં માત્ર એક જ શીક્ષક છે. વિધાનસભામાં વિપક્ષે કેળવણી નિરીક્ષક અને શિક્ષણાધિકારીની ખાલી જગ્યાઓ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, રાજ્યના 17 જિલ્લાઓમાં એક પણ કેળવણી નિરીક્ષક નથી. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાહોદ, પોરબંદર, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, બોટાદ, વલસાડ ડાંગ, સુરત અને નવસારીમાં કેળવણી નિરીક્ષકની જગ્યા ખાલી છે.
તો રાજ્યની 700 શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક છે જે પૈકી જામનગરમાં 6 અને દેવભૂમિ દ્વારકામાં 13 શાળાઓમાં એક જ શિક્ષક છે. કચ્છ જીલ્લામાં સૌથી વધુ શિક્ષકોની ઘટ છે. કચ્છમાં 100 શાળાઓ એવી છે કે જ્યાં 1 શિક્ષક છે.
બીજી બાજુ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાના લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10,000 પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તી કરવામાં આવશે. તો રાજ્યની 700 શાળાઓમાં શિક્ષકોની અછત હોવાનું સામે આવ્યું છે. તેમાં સવાલ એ ઉભો થાય છે કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત !