ગુજરાત સહીત જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. આજે ગુજરાતમાં કોરોનાના 71 કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ જામનગર શહેરમાં 15 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં 14 કેસ, અમદાવાદ અને સુરતમાં 11-11 કેસ નોંધાયા છે. ગઈકાલે ઘણા સમય બાદ 3 દર્દીઓના મૃત્યુ પણ થયા હતા.
ઓમીક્રોન વેરિયન્ટના ભય વચ્ચે વધી રહેલા કોવિડના કેસ ચિંતાજનક છે. જામનગરમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત 3 દર્દીઓ છે. ત્યારે શહેરમાં આજે 15 કેસ નોંધાયા છે. શહેરમાં છેલ્લા 4 દિવસના કોરોનાના કેસની વાત કરવામાં આવે તો બુધવારે 7, ગુરુવારે 10, શુક્રવારે 11 અને આજે શનિવારે 15 કેસ નોંધાતા છેલ્લા 4 દિવસમાં જ 43 કેસ થયા છે.
ગુજરાતમાં લગ્ન સમારંભના કારણે કોરોનાના કેસ વધ્યા હોવાનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. આજે તેઓએ કહ્યું હતું કે લગ્ન સમારંભના કારણે રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા છે. મોટા ભાગે જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવે છે તે લોકો લગ્નપ્રસંગમાંથી આવ્યા છે. થોડા સમય પહેલા ટેસ્ટની સંખ્યા 50 હજાર હતી જે હાલ વધારીને 70 હજાર હજાર કરાયા હોવાથી કેસ વધુ આવતા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.