દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં આવેલી સિધ્ધી વિનાયક સોસાયટીમાં ભાડે રહેતા પંજાબના એકસ આર્મીમેન યુવાનના મકાનના તાળા તોડી તસ્કરો રોકડ રકમ અને ઈન્ડીયન આર્મીનું આઈકાર્ડ સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતીં.
ભાણવડની સિદ્ધિ વિનાયક સોસાયટી – 2 ખાતે ભાડાના મકાનમાં રહેતા મૂળ પંજાબ રાજ્યના અમૃતસર જિલ્લાના રહીશ એવા અજીતસિંગ મેવાસિંગ નામના 37 વર્ષના એક્સ આર્મીમેન કે જે હાલ રેલવેના ગેટમેન તરીકે ભાણવડમાં ફરજ બજાવે છે, તેમના રહેણાંક મકાનના ગત તા. 20 જુલાઈથી તારીખ 21 જુલાઈના રાત્રિના સમયગાળા દરમિયાન તસ્કરોએ ત્રાટકી, મકાનના તાળા તોડીને રૂમમાં પ્રવેશ કર્યો હતો.
અહીં રાખવામાં આવેલો સરસામાન તસ્કરોએ વેરવિખેર કરી અને આ રૂમમાં રહેલી એક સૂટકેસનું તાળું તોડીને તેમાં રાખવામાં આવેલા રૂા.17 હજાર રોકડા, ઇન્ડિયન આર્મીનું ઓરીજનલ આઈકાર્ડ, કપડા સહિત કુલ રૂા.20,500 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 380, 447 તથા 457 મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. એમ.કે. ગઢવી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.