જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડાં સમયથી હત્યા, ચોરી, લૂંટ, હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સાથે સાથે ઘરફોડ ચોરીના બનાવોને તસ્કરો એક પછી એક અંજામ આપી રહ્યા છે. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં એક સાથે બે મકાનોમાંથી તસ્કરો રૂા. 1,46,500 ની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સિધ્ધાર્થ કોલોની શંકરટેકરી શેરી નં.14 માં રહેતાં ગોવિંદભાઈ નારણભાઈ વૃદ્ધના મકાનમાં સોમવારે મધ્યરાત્રિના 2 વાગ્યાથી 4:30 વાગ્યા સુધીના અઢી કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી રૂમનો દરવાજો ખોલી કબાટની તિજોરીમાં રાખેલા 64 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના, રૂા.15,500 ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા.60 હજારની રોકડની ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં આવેલા શંકરભાઈ ટપુભાઈ ચૌહાણના ઘરમાંથી રૂા.7000 ની કિંમતનો એક મોબાઇલ ફોન પણ ચોરી કરી ગયા હતાં. એક સાથે બે-બે મકાનમાં ચોરી થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બનાવની ગોવિંદભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.