જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરોનો રંજાડ ચિંતાજનક રીતે વધી રહ્યો છે તેમાં ખાસ કરીને છેલ્લાં બે સપ્તાહથી જિલ્લામાં ઠંડો પવન અને બેઠા ઠારનું પ્રમાણ વધતું જાય છે. આ ઠંડીનો ગેરલાભ ઉઠાવી તસ્કરો રહેણાંક મકાનોને નિશાન બનાવે છે. ધ્રોલમાં રાધેપાર્ક સોસાયટીમાં રહેતાં નિવૃત્ત સરકારી કર્મચારી સહિતના બે મકાનોમાં તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ તથા બાઇક સહિત રૂા.1.84 લાખની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં દોઢ-બે માસથી ચોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના રહેણાંક મકાનોને તસ્કરો ટાર્ગેટ બનાવતા હોય છે. ચોરીના બનાવો વધવા પાછળ છેલ્લાં બે સપ્તાહથી ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. જેના કારણે લોકોની ઉંઘ પણ વધુ ગાઢ થતી હોય છે. ત્યારે શિયાળાની ઠંડીમાં તસ્કરોને મોકળુ મેદાન મળી રહે છે. મધ્યરાત્રિના સમયે તસ્કરોએ ધ્રોલ ગામમાં રાધેપાર્ક સોસાયટીમાં બે મકાનોને ટાર્ગેટ બનાવ્યાં હતાં. જેમાં નિવૃત્ત સરકારી કર્મચારી વિજયભાઇ મહાશંકરભાઈ રાવલના મકાનમાં પ્રવેશ કર્યો હતો. રાવલ પરિવાર પ્રથમ માળે નિંદ્રાધિન હતો ત્યારે ગ્રાઉન્ડ ફલોરના દરવાજાનો નકૂચા તોડી તસ્કરોએ રૂમમાં રહેલ કબાટનો સામાન વેર-વિખેર કરી નાખ્યો હતો.
તસ્કરોએ કબાટની તિજોરીમાંથી રૂા.30 હજારની કિંમતનો સોનાનો ચેઈન, રૂા.12 હજારની કિંમતની સોનાની ચાર નંગ વીટી, રૂા.15 હજારની કિંમતની બે નંગ બંગડી, સોનાના દાણા ચાર નંગ, કાનમાં પહેરવાની બુટી જોડી એક નંગ, ચાંદીના સાંકળા પાંચ જોડી, ચાંદીની લકકી એક જોડી, ચાંદીની માળા ચાર જોડી, ચાંદીનો કંદોળો એક નંગ સહિત કુલ રૂા.67,500 ના સોના-ચાંદીના દાગીના અને સીંગતેલનો ડબ્બો તથા કપડાની વચ્ચે પાકીટમાં રાખેલા એક લાખ રોકડા મળી કુલ રૂા.1,69,500 ની માલમતાની રાવલ પરિવારના મકાનમાંથી ચોરી કરી ગયા હતાં. વહેલસવારે ચાર વાગ્યાના અરસામાં કોકીલાબેન રાવલની ઉંઘ ઉડતા તેઓ નીચે આવ્યા હતાં ત્યારે નીચેના રૂમનો દરવાજો ખુલ્લો અને અંદરના રૂમોનો લાઈટ ચાલુ હોવાની ચોરીની શંકા જતાં પરિવારના બાકીના સભ્યોને પણ ઉઠાડ્યા હતાં. ઉપરાંત બાજુમાં રહેતાં સંદીપભાઈ અગ્રાવતના ઘર પાસે પાર્ક કરેલું જીજે-10-એએલ-0691 નંબરનું બાઇક ચોરી કરી ગયા હતાં. તેમજ પાછળની શેરીમાં રહેતાં હેમેન્દ્રભાઈ જોશીના બંધ મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘરમાંથી કોઇપણ ચીજવસ્તુઓ ચોરાઈ ન હતી.
મધ્યરાત્રિના સમયે એક જ વિસ્તારમાં એક સાથે ત્રણ-ત્રણ સ્થળોએ ચોરી થતાં રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તસ્કરોએ બે સ્થળોએથી કુલ રૂા.1,84,500 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. જયદીપ રાવલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ગુનાશોધક શ્વાન તથા એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં. આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફુટેજો તપાસતા તસ્કરો મોઢે કપડું બાંધી ચોરી કરવા આવ્યા હતાં. પોલીસને મળેલા આ ફુટેજોના આધારે તપાસ આરંભી હતી.