Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતશુક્રવારે 12 ના ટકોરે આ ધારાસભ્યો બની જશે મંત્રી

શુક્રવારે 12 ના ટકોરે આ ધારાસભ્યો બની જશે મંત્રી

ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાનાં પદ પરથી રાજીનામાં આપી દેશે.

- Advertisement -

સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું, જોકે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે.

બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે. જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે.

- Advertisement -

આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવશે. બપોરે 3 વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના કાર્યક્રમથી ગુજરાત પરત આવશે. ત્યાર બાદ તમામ મંત્રીઓ સાથે બેઠક યોજાઈ શકે છે. બેઠકમાં તમામ મંત્રીઓનાં રાજીનામાં લઈ લેવામાં આવશે. સાંજે રાજ્યપાલને મળીને તમામનાં રાજીનામાં સોંપી દેવામાં આવશે.

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે ગુરુવારે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે સવારે આવશે. સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે ભાજપના હાઇકમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી, તેથી સરકારમાં મોટેપાયે બદલાવ થવાનો સંકેત આવી રહ્યો છે.

- Advertisement -

નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે. ભાજપના ધારાસભ્યોને પણ તેમના દંડકે આગામી દિવસોમાં ગાંધીનગરમાં જ રહેવા સ્પષ્ટ સૂચના આપી છે. નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યોનું હોય એવી શક્યતા જોવાઇ રહી છે અને વિધાનમંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે એવી પણ સંભાવના ભરપૂર છે. આ દરમિયાન મંત્રીઓની કચેરી જ્યાં આવેલી છે એ સ્વર્ણિમ સંકુલના બન્ને વિભાગની તમામ ચેમ્બરોની સફાઇ કરી દેવામાં આવી છે. સરકારમાં મંત્રીઓ ઉપરાંત કેટલાક ધારાસભ્યોની મુખ્યમંત્રીના 6થી 7 સંસદીય સચિવ તરીકે પણ નિમણૂક કરવામાં આવે એવી શક્યતા છે.

ગુજરાતમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓની વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ ટૂંકાવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યપાલ તેમના વતન કુરુક્ષેત્રના પ્રવાસે હતા. કુરુક્ષેત્રનો પ્રવાસ 16 ઓક્ટોબર સુધીનો હતો. મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે મંત્રીઓ મંગળવાર અને બુધવારે એમ બે દિવસ સ્વર્ણિમ સંકુલમાં ગેરહાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 11 વાગ્યે મુંબઈ જવાના હોવાની ચર્ચા ચાલી રહી છે અને તેઓ બપોરે 3 વાગ્યે પરત ફરી શકે છે.

સચિવાલયમાં ચર્ચા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અમદાવાદના છે. જ્યારે સૌરાષ્ટ્રની જાણે બાદબાકી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ઉપરાંત અઅઙના ગોપાલ ઈટાલિયા સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે એ પણ નિશ્ચિત છે. એમાં જયેશ રાદડિયા અને જિતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.

જોકે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જિતુ વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે છે. એવી ધારણા થઈ છે કે મંત્રીમંડળના આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્ત્વનાં પદ અપાશે. ખાસ કરીને પાટીદોરોને વધુ મહત્ત્વ મળશે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારાં ખાતાં મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે.

આ નેતાઓને ત્યાં થઇ શકે છે દિવાળીની આતશબાજી
પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, હાલના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી (રાજુલા), સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા અથવા તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની અને જામનગરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી જીતેલા પોરબંદરના બોલકા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ તથા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે. ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી. જે. ચાવડાને મંત્રીપદ મળે એવી શક્યતા પણ જોવાઈ રહી છે.

આ નેતાઓની દિવાળી બગડી શકે છે
કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ભાનુબેન બાબરિયા, ઉપરાંત રાજ્યકક્ષાના જે મંત્રીઓ પડતા મુકાવાની શક્યતા છે એમાં મત્સ્ય અને પશુપાલના મંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયતમંત્રી બચુભાઈ ખાબડ, વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular