કોરોનાની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે અને રાજ્ય સરકારો સરકારી તથા ખાનગી હોસ્પિટલો અને અન્ય કોવિડ હેલ્થ કેર સેન્ટરોમાં ઇમર્જન્સી દર્દીઓને શક્ય એટલા વધુ વેન્ટિલેટર અને ઓક્સિજનની વ્યવસ્થા કરી રહી છે.
ગંભીર દર્દીઓ માટે જરૂરી વેન્ટિલેટર્સ અને ઓક્સિજન પૂરા પાડવામાં આવી રહ્યા છે.ગુજરાત ઓક્સિજનના સિલિન્ડરો માટે કેન્દ્ર પાસેથી કોઈ માગણી કરતું નથી અને રાજ્યમાંનાં આઠ મોટા ઓક્સિજન પ્લાન્ટ્સ દ્વારા પોતાની જરૂરિયાત પ્રમાણે દૈનિક અંદાજે 1000 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન કરે છે અને વધારાનો પુરવઠો હોય ત્યારે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને 150 ટન જેટલો આપે છે.
ગુજરાત ‘સ્વાસ્થ્ય કટોકટી’ની દિશામાં આગળ વધી રહ્યું હોવાની ટકોર ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે કરી છે. રાજ્યમાં હોસ્પિટલ બેડ્સ, આઇસીયુ, રેમડેસિવિર દવા અને ઓક્સિજનના પુરવઠાનો અભાવ હોવા પ્રત્યે પણ અદાલતે ધ્યાન દોર્યું છે. જોકે ઓક્સિજન બાબતે ગુજરાતની પરિસ્થિતિ ચિંતાજનક જણાતી નથી.
રાજ્યના ક્રૂડ અને ડ્રગ કમિશનર ડો. હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં કોરોનાના કેસો વધતા સરકારે ચર્ચા વિચારણા કરી પ્લાન્ટ્સના સંચાલકોને વિનંતિ કરતા 1100 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનું આપણે ઉત્પાદન કરી રહ્યા છીએ.
હાલમાં આપણી પાસે સરપ્લસ સ્ટોક નહીં હોવાથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને આપી શકાતો નથી.રાજ્ય સરકાર હસ્તક 20 મોટી હોસ્પિટલ માટે સાઇટ પર જ મોટી ટેન્કો છે તેમાં સંગ્રહ કરવામાં આવે છે. રાજ્ય સરકારે ઓક્સિજનનાં ઉત્પાદનમાં વિશેષ ધ્યાન રાખવું પડે છે કારણ કે છેલ્લા 15થી 16 મહિનામાં આપણે કોરોનાના દર્દીઓને બચાવવા ઓક્સિજનની ખૂબ જરૂર પડે છે.આ ઉપરાંત ઓક્સિજનનો ઉપયોગ હેલ્થ કેર ફાર્મા યુનિટ્સમાં પણ થાય છે. ગુજરાત દેશનું મોટું ફાર્મા હબ ગણાય છે.
આપણી પાસે હાલમાં મોટા ઓક્સિજન પ્લાન્ટ્સ સપ્લાય ઘણી મોટી સંખ્યામાં સિલિન્ડર રીફીલિંગ સેન્ટરો છે અને આ સિલિન્ડરો જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોને ફાળવવામાં આવે છે. દરમિયાન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ઓક્સિજન માટે સ્વનિર્ભર છે અને કેન્દ્રની આ બાબતમાં કોઈ મદદ મળતી નથી. માહિતીના અભાવે કેટલાંક રાજ્યો ગુજરાત પર ખોટા આક્ષેપો કરે છે. ઉપાયોમાં સાતત્યની ખામીને કારણે કેસ અને મૃત્યુઆંક વધ્યો છે. ઉપરાંત દુનિયાભરમાં લોકોમાં આત્મસંતુષ્ટિ અને ભ્રમની સ્થિતી જવાબદાર છે. રસી અપાઈ રહી છે પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ કારગર ઉપાય હોવાનું તેમણે જણાવ્યું હતુ.