કોરોનાની પ્રથમ લહેર અને લોકડાઉન વખતથી વેસ્ટર્ન રેલવે જ નહીં, દેશભરમાં રેલવે તંત્ર તરફથી ખાસ કેટેગરીના યાત્રિકોને ટિકિટ ભાડામાં આપવામાં આવતું ક્ધસેશન બંધ કરાયું હતું. આશરે દોઢેક વર્ષથી આ ક્ધસેશન હજુ બંધ જ છે અને હાલમાં ટ્રેનની ટિકિટમાં એક પણ પ્રકારનુ પ્રજાજોગ ક્ધસેશન આપવામાં આવતું નથી. જોકે ગુજરાત સહિત દેશના મોટાભાગમાં કોરોનાની અસર ઓસરી રહી છે અને રેલ યાતાયાત પહેલાની માફક જ શરૂ થઈ ગયો છે. તેમ છતાં ટિકિટ ભાડામાં ક્ધસેશન અંગે મગનું નામ મરી નહીં પાડતા લાભાર્થીઓમાં દેકારો થઈ રહ્યો છે.
રેલવે તંત્ર દ્વારા 60 વર્ષથી ઉપરની વયના પુરૂષ અને 58 વર્ષથી વધુની વયના મહિલા યાત્રિકને ટિકિટ રિઝર્વેશનમાં માંગ અનુસાર 50 ટકા ક્ધસેશન આપવામાં આવતું હતું. આ જ રીતે શારીરિક દિવ્યાંગ-માનસિક દિવ્યાંગ અને તેમના એટેન્ડન્ટ (દેખભાળ માટે સાથે રહેલા એક વ્યક્તિ), કેન્સરની સારવાર લેવા એક ગામથી બીજે ગામ ટ્રેનમાં જતા દર્દી અને તેમના એટેન્ડન્ટ, રમત ગમત સહિતની શૈક્ષણિક પ્રવૃત્તિ માટે રેલ પ્રવાસ કરતા વિદ્યાર્થીઓ વગેરેને ટિકિટ ભાડાંમાં 50 ટકા જેટલું ક્ધસેશન આપવામાં આવતું હતું. જે કોરોનાની પ્રથમ લહેર સુધી ચાલતું હતું.
લોકડાઉન દરમિયાન ટ્રેનો બંધ થઈ અને ત્રણેક મહિના બાદ પુન: રેલ વ્યવહાર શરૂ થઈ ગયો પરંતુ ત્યારથી ટિકિટ ભાડામાં અપાતું ક્ધસેશન હજુ બંધ જ છે. અલબત્ત, તાજેતરમાં કેટલીક ટ્રેનોમાં માસિક પાસ ધારકોને ક્ધસેશન સાથેના પાસ કાઢી આપવામાં આવ્યા છે. પરંતુ અગાઉની માફક જુદી જુદી કેટેગરીના લાભાર્થીઓને ક્ધસેશન આપવામાં આવતું નથી. જ્યારે ક્ધસેશન પાત્ર બધા જ વર્ગના હજ્જારો પ્રવાસીઓએ રેલ મુસાફરી શરૂ કરી દીધી છે.
કોરોનાને લીધે પ્લેટફોર્મ પર ભીડ ખાળવા પ્લેટફોર્મ ટિકિટના ભાવ 10 રૂપિયામાંથી 50 રૂપિયા કરાયા હતા. જે તાજેતરમાં ઘટાડીને 30 રૂપિયા વસૂલાય છે. હાલમાં જ વેસ્ટર્ન રેલવેએ 30થી વધુ મેઈલ-એક્સપ્રેસ ટ્રેઈનોને સુપરફાસ્ટનો દરજ્જો આપતા ટિકિટ ભાડામાં 15 રૂપિયાથી 45 રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે. લોકલ ટ્રેનો હજુ ચાલુ કરી નથી અને અંદરખાને ચર્ચાતી વિગત અનુસાર રેલવેને લોકલ ટ્રેનો ચાલુ કરવામાં રસ નથી.
રેલવે એ યાતાયાતના મામલે દેશની કરોડરજ્જુ ગણાય છે. ગરીબો માટે ગરીબ રથ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન છે. હવે ટ્રેનો અગાઉની જેમ જ 100 ટકા પેસેન્જર ક્ષમતાથી દોડાવવામાં આવે છે, સ્કૂલ-કોલેજોમાં શિક્ષણ સહિતની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે. આમ બધી પરિસ્થિતિ તરફેણમાં હોવા છતાં વિવિધ કેટેગરીના લાભાર્થીઓને ટિકિટમાં ક્ધસેશન ક્યારથી આપવામાં આવશે તે પ્રશ્ન યાત્રિકોમાં ચર્ચાઈ રહ્યો છે.