જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામમાં આવેલા બાવીસી માતાના મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને કોઇ ઓજાર વડે નકુચા તોડી મંદિરમાંથી ચાંદીના છતર અને રોકડ સહિતની રૂા.1.21 લાખની માલમત્તાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામમાં બાવીસી માતાના મંદિરમાં શનિવાર મધ્યરાત્રિથી વહેલી સવારના સમય દરમ્યાન બે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરના દરવાજાનો નકુચો કોઇ ઓજાર વડે તોડીને પ્રવેશ કરી મંદિરમાંથી રૂા.90 હજારની કિંમતના 2.250 કિલો ચાંદીના ત્રણ નંગ છત્તર અને રૂા.10 હજારની કિંમતનું ચાંદીનું ઘોડિયું તથા રૂા.20 હજારની કિંમતનું 500 ગ્રામનો ચાંદીનો મુકુટ તેમજ દાનપેટીમાં રહેલી રૂા.1 હજારની રોકડ અને ધાતુનો કિમતી હાર મળી કુલ રૂા.1.21 લાખની કિંમતની માલમત્તા ચોરી કરી નાસી ગયા હતાં. બીજે દિવસે સવારે સેવા-પૂજા કરતા તુષારગિરી ગોસ્વામી મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરમાંથી માતાજીના દાગીના અને દાનપેટીની રોકડની ચોરી થયાનુ જણાતા તેણે પોલીસમાં જાણ કરી હતી. તેના આધારે ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.સવસેટા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને એફએસએલ તથા ગુનાશોધક શ્વાનની મદદ વડે મંદિરચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા તસ્કરો ચોરી કરતા મળી આવતા સેવા-પૂજા કરતા તુષારગીરીના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનો પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.
કોટડાબાવીસીના મંદિરમાંથી સવા લાખની માલમત્તાની ચોરી
મંદિરના દરવાજાનો નકુચો તોડી ચાંદીના છત્તર સહિતના દાગીના અને રોકડની ચોરી: સીસીટીવી ફૂટેજના આધારે બે તસ્કરોની શોધખોળ