જામનગર શહેરમાં ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે રહેતા વેપારીના ફલેટમાં તસ્કરોએ પ્રવેશ કરી રૂમના કબાટમાંથી 1.25 લાખની રોકડ રકમ અને રૂા.70 હજારની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂા.1,95,000 ની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં આવેલા એસ.આઈ.બી. એપાર્ટમેન્ટમાં પાંચમા માળે ફલેટ નં.504 માં રહેતાં અંજુમને ઝકવી બોર્ડ ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલ તૈયબ જોહેબ નઝમીના ફલેટમાં ગત તા.21ના સાંજના 6 વાગ્યાથી તા.22 ના સાંજના 6:30 વાગ્યા સુધીના 24 કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ફલેટમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલા લોખંડના કબાટની નાની તિજોરીનું ખાનુ તોડી ખાનામાંથી રૂા.1,25,000 રોકડા અને કાનની બુટી બે જોડી રૂા.70 હજારની મળી કુલ રૂા.1,95,000 ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ અંગે સબીરભાઇ ભારમલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.બી. કોડીયાતર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનો નોંધી ગુનાશોધક શ્વાન અને એફએેસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.