જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે આવેલા પ્રણામી ટાઉનશીપ ત્રણ માં રહેતાં યુવાનના બંધ મકાનમાંથી ત્રણ સપ્તાહ પૂર્વે અજાણ્યા તસ્કરોએ મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી તિજોરીનું લોક તોડી તેમાંથી રૂા.1,02,500 ની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ સહિતની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં દોઢ બે માસથી ઘરફોડ ચોરીના બનાવોએ માઝા મૂકી છે. તસ્કરોના તરખાટથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે. દરમિયાન ત્રણ સપ્તાહ પૂર્વે જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે આવેલી પ્રણામી ટાઉનશીપ 3 માં બ્લોક નં.177 માં ધન અપૂવાર્ર્ સોસાયટી પાછળ રહેતાં રાજેન્દ્ર મહેશભાઈ આસીયાણી (ઉ.વ.39) નામના નોકરી કરતાં યુવાનના ગત તા.5 ના મધ્યરાત્રિના દોઢ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી બંધ રહેલા મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને દરવાજાનો નકૂચો તોડી રૂમમાં પ્રવેશ કરી લોખંડની તિજોરીનું લોક તોડી તેમાં રહેલ 2 તોલાનું રૂા.98 હજારની કિંમતનું મંગલસુત્ર અને શ્રીનાથજી વાળું પેન્ડલ રૂા.12500 ની કિંમતનું તેમજ બે સોનાના દાણા અને રૂા.20 હજારની રોકડ રકમ સહિત રૂા.1,02,500 ની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂા.1,22,500 ની કિંમતની માલમતાની ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવ અંગેની જાણ રાજેન્દ્ર આસિયાણી દ્વારા ત્રણ સપ્તાહ બાદ કરાતા પીએસઆઈ આઇ.આઇ.નોયડા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં તસ્કરોનું પગેરૂ મળી જતાં તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી જવાની શકયતા નકારી શકાતી નથી. આ ચોરીની સાથે સાથે અન્ય ચોરીનો પણ ભેદ ઉકેલવાની શકયતા પણ રહેલી છે.