જામનગર શહેરમાં સ્વામીનારાયણ નગર શેરી નં-1માં આવેલ બે બંધ મકાનમાંથી ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરો રાત્રીના સમયે બંધ મકાનમાં ત્રાટકી કબાટનો દરવાજો તોડી રોકડ રકમ તથા સોના-ચાંદીના ઘરેણા મળી અડધા લાખની માલમત્તાની ચોરી કરી નાશી છુટ્યા છે.જે વિરુધ સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના સ્વામીનારાયણ નગર શેરી નં-1માં રહેતા ડીમ્પલબેન દિલીપભાઈ ડાભી ગત તા.27ફેબ્રુઆરીના રોજ બહાર ગયા હતા. ત્યારે રાત્રીના સમય દરમિયાન તસ્કરો તેના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટનો દરવાજો તોડી કબાટમાં રાખેલ રોકડ આશરે રૂ.30,000 તથા સોનાની બે વીંટી, સોનાનું લેપ ચડાવેલ મંગળસુત્ર, સોનાના ચીપ વાળા પાટલા, ચાંદીના સાકરા,સોનાની નથડી, સોનાનો ઓમકાર, ચાંદીના સાકળા, ચાંદીની બે જોડી કડલી એમ આશરે કુલ રૂ.11400 અને રોકડ મળી રૂ.41400ની માલમત્તાની ચોરી કરી નાશી છુટ્યા હતા. આ અંગે તેઓને જાણ થતા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
ડીમ્પલબેનની બાજુમાં રહેતા પૂજાબેન હરેશભાઈ પરમાર પણ ઘરે હાજર ન હોય તે સમય દરમિયાન તેના ઘરનો દરવાજો તોડી લોખંડના કબાટનો દરવાજો તોડી તેમાં રાખેલ સોનાની બુટ્ટી, સોનાની ત્રણ વીંટી, સોનાના બે પેન્ડલ, ચાંદીની બંગડી, ચાંદીની ઝાંઝરીઓ, ચાંદીની લક્કી એમ કુલ મળી રૂ.12500ની ચોરી કરી નાશી છુટ્યા હતા. બન્ને ઘરમાંથી કુલ રૂ.53900ની માલમત્તાની ચોરી થયાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.