જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં આવેલા મકાનમાં તસ્કરોએ તાળા તોડી કબાટની તિજોરીમાથી આશરે 1 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં એસ.કે. રેસ્ટોરન્ટવાળી શેરીમાં રહેતા અને કલરકામ કરતા મહમદ હુશેન યુનુસભાઇ ચૌહાણ નામનો યુવાન તેમના પરિવાર સાથે ચાર દિવસ માટે અજમેર દર્શન કરવા ગયો હતો. તે દરમ્યાન બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી દરવાજાના તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી કબાટની તિજોરી તોડી તેમાંથી આશરે રૂા. 50,000ની કિંમતના એક તોલા સોનાના દાગીના ચોરી કરી ગયા હતાં અને કબાટનો સામાન વેર-વિખેર કરી નાખ્યો હતો. ત્યારબાદ બહારગામથી પરત ફરેલા યુવાને પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પી.એસ.આઇ. વી.આર.ગામેતી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને 50,000ના દાગીનાની ચોરીનો ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.