જામનગર શહેરના સંઘાળિયા બજારમાં આવેલી દુકાનમાં શનિવારે રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ દુકાનના લાકડાના દરવાજા ખોલી અંદર પ્રવેશ કરી કાઉન્ટરના ખાનામાં રાખેલી 7000ની રોકડ રકમ અને દાન માટે એકઠા કરેલા રૂા.93,500 મળી કુલ રૂા.100500 ની રોકડ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સંઘાળિયા બજાર વિસ્તારમાં આવેલી હસન અબ્દુલ કાદરભાઈ કેરાવાલાની સુપર ટે્રડર્સ નામની દુકાનમાં ગત શનિવારે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને લાકડાનું બારણું ખોલી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના લાકડાના કાઉન્ટરના ખાનામાં રહેલા વેપારના રૂા.7000 અને દાન માટે ભેગા કરેલા રૂા.93,500 સહિત રૂા.100500 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. રવિવારે સવારે ચોરીના બનાવની જાણ થતા વેપારી હસનભાઈએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ જે.આર.કરોતરા તથા સ્ટાફે સ્થળ પર દોડી જઈ ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
જામનગરની સંઘાળિયા બજારમાં દુકાનમાંથી રોકડ રકમની ચોરી
શનિવારે રાત્રિ દરમિયાન એક લાખની રોકડ ઉસેડી ગયા : પોલીસ દ્વારા તસ્કરોનું પગેરું મેળવવા તપાસ