જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેસ-3 માં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાં ભાડેથી ફેરા કરતા બોલેરો પીકઅપ વાહનના ચાલકે આ ફેરા દરમિયાન કારખાનામાંથી રૂા.2.30 લાખની કિંમતનો 400 થી 500 કિલો જેટલો પીતળનો ભંગાર ચોરી કરી ગયાની કારખાનેદારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ઈન્દીરા પાર્ક રોજી પેટ્રોલ પંપ સામે આવેલા શાંતિ હામોનિયમમાં રહેતાં કારખાનેદાર વિરલભાઈ મનસુખભાઇ લકકડ નામના યુવાનના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં પ્લોટ નં.45 /77માં આવેલા પ્રેસિયર્સ મેટલ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં લાખાબાવળ ગામમાં રહેતો રામભાઈ રબારી નામનો શખ્સ તેની જીજે-11-વીવી-1974 નંબરના બોલેરો પીકઅપ વાહનમાં પીતળના સામાનના ફેરા કરતો હતો. આ ફેરા દરમિયાન છેલ્લાં એક વર્ષના સમયગાળામાં રામ રબારીએ પીતળની ભઠ્ઠીમાંથી વધતો પીતળનો છોલ ભરતા અને ઉતારતા સમયે જુદી જુદી રીતે રૂા.2,30,000 ની કિંમતનો 400 થી 500 કિલો ચોરી કરી ગાડીમાં છૂપાવીને લઇ ગયો હોવાની શંકાના આધારે કારખાનેદારે શખ્સ વિરૂધ્ધ જાણ કરતા પીએસઆઈ એમ.એ.મોરી તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.