જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક આવાસ તથા ઈવા પાર્ક શેરી નં.2 માં રહેણાંક મકાનમાં ચાર અજાણ્યા તસ્કરોએ દરવાજાના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 45000 ની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં સમયથી તસ્કરોનો તરખાટ વધી ગયો છે. તેમજ મંગળવારની રાત્રિના સમયે રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્કમાં તસ્કરો ત્રાટકયા હતાં અને મધ્યરાત્રિના સમયે આવાસમાં પાંચમા માળે ડી-501 માં રહેતાં કમલેશગીરી હીરાગીરી ગોસાઈ નામના પ્રૌઢના મકાનના દરવાજાના તાળા કોઇ હથિયાર વડે તોડીને મકાનમાં પ્રવેશી ઘરમાં રહેલા કબાટમાંથી રૂા.10000 ની કિંમતની સોનાની બે બુટી અને રૂા.4000 ની કિંમતના સોનાના પટ્ટીવાળા પાટલા અને રૂા. એક હજારની કિંમતના ચાંદીના બે પાટલા મળી કુલ રૂા.15000 ની કિંમતના દાગીના ચોરી ગયા હતાં તેમજ કિશનભાઈ માધાણીના મકાનમાં તાળા તોડી પ્રવેશ કરી રૂા.20 હજારની રોકડ રકમ અને 10 હજારની કિંમતની સોનાની બુટી મળી કુલ રૂા.35 હજારની માલમતા ચોરી કરી ગયા હતાં.
ચોરીના આ બનાવની કમલેશગીરી દ્વારા જાણ કરાતા પીએસઆઈ આઈ.આઈ. નોયડા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બે સ્થળોએથી થયેલી રૂા.45000 ની માલમતાની ચોરીના બનાવમાં ચાર અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી. પોલીસે આવાસમાંથી સીસીટીવી ફૂટેજો કબ્જો કરી તસ્કરોના વર્ણનના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.