જામનગર શહેરના લાલબંગલા કમ્પાઉન્ડમાં કલેકટર બંગલા અને ડીવાયએસપી ઓફિસ નજીક આવેલી રેવન્યૂ કર્મચારી મંડળ સંચાલિત પાનની દુકાનમાં ફરીથી તસ્કરો ત્રાટકયા હતાં અને બારી તોડી માલસામાનની ચોરી કરી ગયા હતાં.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં લાલ બંગલા કમ્પાઉન્ડમાં કલેકટર બંગલા અને ડીવાયએસપી ઓફિસ નજીક આવેલી રેવન્યૂ કર્મચારી મંડળ સંચાલિત પાનની દુકાનમાં ચોથી વખત તસ્કરો ત્રાટકયા હતાં. અગાઉ પણ ચોરી બાબતે અરજી આપી હતી તેમ છતાં કોઇ ઉકેલ ન આવતા વધુ એક વખત તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હતું. દરમિયાન શુક્રવારની રાત્રિના આ કેન્ટીનના તસ્કરોએ પાટીયા તોડીને અંદર રહેલો માલ-સામાન ચોરી કરી ગયા હતાં. અગાઉ પણ થયેલી ચોરી સંદર્ભે સિટી એ ડીવીઝન પીઆઈ, ડીવાયએસપી અને એસપીને અરજી કરી હતી તેમ છતાં જિલ્લાના સમાહર્તા કલેકટર બંગલા અને ડીવાયએસપી ઓફિસની નજીકમાંથી જ જો ચોરી થતી હોય તો અન્ય વિસ્તારોની સલામતી કેટલી ?