જામનગર શહેર અને જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરના નિલકમલ સોસાયટીમાં રહેતાં યુવાનના બંધ મકાનમાંથી ધોળે દિવસે તસ્કરોએ પ્રવેશ કરી તીજોરીના ખાનામાંથી રોકડ રકમ ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નિલકમલ સોસાયટી શેરી નં.6 ના છેડે અશોક સમ્રાટનગરમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ લખુભા જાડેજા નામના યુવાનના બંધ મકાનમાં સોમવારે સવારે નવ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધીના સાડા ત્રણ કલાકના સમય દરમિયાન તસ્કરોએ મકાનના રૂમના પાછલા દરવાજામાં હોલ કરી દરવાજો ખોલી અંદર પ્રવેશ ર્ક્યો હતો અને ત્યારબાદ રૂમમાં રહેલી તિજોરીના ખાનામાંથી રૂા.26000 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. રોકડ ચોરીના બનાવ અંગેની જાણ કરતા પીએસઆઇ વી.બી.બરસબીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ઘરફોડ ચોરીનો અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.