કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં આવેલા રહેણાંક મકાન માંથી રૂપિયા બાસઠ હજારના માલમતાની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ ચોરીનો બનાવની વિગત મુજબ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં આવેલા હરસિદ્ધિનગર વિસ્તારમાં રહેતાં જમનાબેન મુરજીભાઇ કણઝરીયા તથા તેમનો પરિવાર ગત તા.15ના રાત્રીના આઠ વાગ્યે તેઓના સબંધીને ત્યાં રોકાવા ગયા હતાં. તેઓ ત્યાંથી બીજા દિવસે સવારે ઘરે પરત ફરતાં મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોવાનું જણાતા ઘરમાં ચોરી થઇ હોવાની જાણ પોલીસમાં કરી હતી. તેના આધારે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતાં તસ્કરો મકાનમાંથી રૂા.32,000ની રોકડ રકમ અને રૂા.18,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રૂા.12,000ની કિંમતનું ટીવી મળી કુલ રૂા.62,000ની કિંમતની માલમતા ચોરી કરી ગયાનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.