મીઠાપુર ટાઉન વિસ્તારમાં એક શિક્ષિકા સહિત ત્રણ આસામીઓના રહેણાંક મકાનમાં તસ્કરોએ ત્રાટકી કુલ રૂા. 1.20 લાખના મુદ્દામાલની ચોરી થયાના બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુરની ટાટા ટાઉનશિપના ક્વાર્ટરમાં રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હીનાબેન કિરણભાઈ ગોંડલીયા એ મીઠાપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ગત તા. 20 નવેમ્બરથી તારીખ 23 સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના રહેણાંક મકાનમાં અનધિકૃત રીતે પ્રવેશ કરી અહીં રૂમના દરવાજાનો નકુચો તોડી અને રૂમમાં રહેલા કબાટનું તાળું તોડી, તેમાં રાખવામાં આવેલા રાખવામાં આવેલા રૂપિયા 16,153 ની કિંમતના સોનાના પેન્ડલ તથા રૂપિયા 2,147 ની કિંમતની સોનાની વીંટી ઉપરાંત 79,700 મળી કુલ રૂપિયા 98,000 ના મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આટલું જ નહીં, આ વિસ્તારમાં તસ્કરોએ વધુ એક આસામી એવા વિનોદભાઈ અબ્રાહમભાઈના ટાઉનશીપ ક્વાર્ટરમાંથી સોનાની એક જોડી બુટી, ગોલ્ડ કોઇન તથા 9,000 રૂપિયા રોકડા મળી કુલ રૂા.17,000 તેમજ અન્ય એક આસામી જીગરભાઈ દિલીપભાઈના કવાર્ટરમાંથી પણ રૂા. 2,000 રોકડા, ચાંદીની બંગડી મળી કુલ રૂપિયા 5,000 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ આ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, તસ્કરોએ ત્રણ સ્થળેથી મળી કુલ રૂા.29,300 રોકડા તેમજ રૂા. 90,700 ની કિંમતના દાગીના મળી કુલ રૂા.1.20 લાખના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાયો છે. આ સમગ્ર મામલે પોલીસે આઈપીસી કલમ 380, 454 તથા 456 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે