જામનગર શહેરમાં ગુલાબનગર નજીકના મોહનનગર આવાસમાં 16 નંબરમાં બ્લોક નં.203 માં તસ્કરોએ મકાનના તાળા તોડી સામાન વેરવિખેર કરી આશરે 50 હજારની રોકડ રકમ અને દાગીનાની ચોરી કરીના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા મોહનનગર આવાસમાં 16 નંબર અને બ્લોક નં.203 માં રહેતાં રાજેશભાઇ સુખડિયા નામના યુવાનના મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતાં અને મકાનના નકૂચા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રહેલો સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને ઘરમાં રહેલી રૂા.50 હજારની રોકડ રકમ અને એક જોડી સોનાની કડી, એક જોડી બુટી, બે જોડી સોનાના પેંડલવાળા ચેઈન, ચાર નંગ સોનાની બુંટી, ત્રણ નાકના દાગીના, બે નંગ રાડો ઘડિયાળ, એક જોડી નાની બુટી, એક ચાંદીની નોટ તથા પરચુરણ ચાંદીની વસ્તુઓ સહિતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતાં. આજે મકાન માલિક રાજેશભાઈ ફરત પરતા આ ચોરીની જાણ પોલીસમાં કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તસ્કરો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.