જામનગર જિલ્લામાં ડેન્ટલ હોસ્પિટલ પાછળ રહેણાંક મકાનમાંથી લાકડાના કબાટમાં આવેલ તીજોરીનું ખાનુ ખોલી રૂા.2,80,000 ની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી થયા અંગેની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તસ્કરોનું પગેરું મેળવવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ડેન્ટલ હોસ્પિટલ પાછળ માતૃ-આશિષ સોસાયટી શેરી નં.2 માં રહેતા અવિલાખ અગનલાલ કુશ્વાહના રહેણાંક મકાનમાંથી ગત તા.17 ના રોજ રાત્રિના સમયે તસ્કરો ઘરના મકાનમાં ઉપરના માળના રૂમમાં પ્રવેશી લાકડાના કબાટમાં આવેલ તિજોરીનું ખાનુ ખોલી તેમાં રાખેલ રૂા.2,80,000 ની કિંમતના બે મંગલસુત્ર, એક ચેઈન તથા ચાર જોડી કાનમાં પહેરવાની બુટીઓ સહિતના સોનાના દાગીના ચોરી કરી ગયા હતાં. આ અંગે અવિલાખભાઈની ફરિયાદના આધારે સિટી બીના પીએસઆઈ એસ.એમ. રાદડિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ આરંભી હતી.