જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહેતી યુવતીને પ્રેમ સંબંધ મામલે તેમના પરિવારજનો અને પિતાએ સમજાવી યુવક સાથે સંબંધ ન રાખવા જણાવ્યું હતું. જેથી યુવતીએ તેના ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરમાં રહેતા પ્રૌઢનું છાતીમાં દુ:ખાવો થતા બેશુદ્ધ થઇ જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહેતી સોનલ લક્ષ્મણભાઈ કબીરા (ઉ.વ.19) નામની યુવતીને તેના ઘરની સામે જ રહેતા હરેશ ગાંગાભાઇ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને આ સંબંધની જાણ થતા યુવતીના પિતા અને પરિવારજનોએ યુવતીને આ પ્રેમસંબંધ ન રાખવા સમજાવી હતી. તેમજ આ સંબંધને કારણે સમાજમાં બદનામી થાય જેથી તેણીએ આ પ્રેમ સંબંધ ન રાખવા જણાવ્યું હતું. આ બાબતનું મનમાં લાગી આવતા સોનલ શનિવારે સવારના સમયે તેના ઘરે રૂમમાં દરવાજો અંદરથી બંધ કરી પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા લક્ષ્મણભાઈ કબીરા દ્વારા જાણ કરાતા હેકો વી.વી.બકુત્રા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના મયુરટાઉનશીપમાં રહેતા હરીશભાઈ આભારામ દામા (ઉ.વ.57) નામના પ્રૌઢને રવિવારે બપોરના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થવાથી બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફે મૃતકના પુત્ર રમેશભાઈના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રેમ સંબંધ ન રાખવાનું માઠુ લાગી આવતા યુવતીએ જિંદગી ટૂંકાવી
બેરાજામાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા : પિતા અને પરિવારજનોએ સંબંધ ન રાખવાનું જણાવા ભર્યુ પગલું : જામનગરમાં છાતીમાં દુ:ખાવો થવાથી પ્રૌઢનું મોત