જામનગર તાલુકાના દરેડમાં ઘઉંના ગોડાઉન સામે ઝુંપડપટ્ટીમાં રહેતી યુવતીને તેની પાડોશમાં રહેતા ચારણ શખ્સ દ્વારા ધરાર લગ્ન કરવાના દબાણથી કંટાળીને શરીર પર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા મોત નિપજ્યાના બનાવમાં મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં ઘઉંના ગોડાઉન સામે પાણી પૂરવઠાના વંડાની પાછળ આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતી સોનલ પરમાર નામની યુવતીને તેની પડોશમાં રહેતા રવજી દેવા વીજાણી નામના ચારણ શખ્સ દ્વારા અવાર-નવાર લગ્ન કરવા માટે દબાણ કરતો હતો પરંતુ યુવતીને આ શખ્સ સાથે લગ્ન કરવા ન હોવાથી યુવતીના માતા-પિતા દ્વારા શખ્સને અનેકવખત સમજાવવા છતા ચારણ શખ્સ યુવતી સાથે જબરજસ્તી રીતે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. આ શખ્સના ત્રાસથી કંટાળીને યુવતીએ તેણીના ઘરે શરીર ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા મોત નિપજ્યું હતું. આ બનાવમાં મૃતકની માતા લાભુબેન દ્વારા રવજી વીજાણી વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા ઈન્ચાર્જ પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે રવજી વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.