દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં રહેતા યુવાને તેના ઘરે ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ખંભાળિયા તાલુકાના ઉગમણા બારામાં રહેતા યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા પ્રવીણભાઈ રામશીભાઈ કાંબરીયા નામના 30 વર્ષના આહિર યુવાને ગત તારીખ 4 એપ્રિલના રોજ વાડીએ પોતાના હાથે ઝેરી ટીકડા ખાઈ લેતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના પરિવારની મિલકતના ત્રણેક વર્ષ પહેલા ભાગ પડી ગયા હતા અને તેમને ભાગમાં આવેલી ખેતીની જમીનમાંથી તેમના માતાને ખાધા ખોરાકીની રકમ આપવાની હોય, જે તેમણે માંગતા આ બાબતે મનમાં લાગી આવતા તેમણે આ પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. બનાવ અંગે મૃતકની પત્ની ભાવિશાબેન દ્વારા જાણ કરાતા ભાણવડ પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા મહાવીરસિંહ બટુકસિંહ જાડેજા નામના 25 વર્ષના યુવાને ગત તારીખ 4 મે ના રોજ તેમના મકાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાની જાણ મૃતકના નાનાભાઈ જીતેન્દ્રસિંહ બટુકસિંહ જાડેજાએ સલાયા મરીન પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.