ટીમ ઈન્ડિયાએ પોર્ટ ઑફ સ્પેન ખાતે રમાયેલા સિરિઝના ત્રીજા અને આખરી વન-ડેમાં વેસ્ટઇન્ડિઝને 119 (ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે) રનથી હરાવીને 3-0થી ક્લિન સ્વિપ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 39 વર્ષથી વેસ્ટઇન્ડિઝમાં વનડે સિરિઝ રમી રહ્યુ છે, અને પ્રથમ વખત વેસ્ટઇન્ડિઝને તેની જ ધરતી પર ક્લિન સ્વિપ કરીને સિરિઝ કબ્જે કરી લીધી છે.
ત્રીજા વનડે મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે મેચ 36 ઓવર જ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 36 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 225 રન કર્યા હતા. શુભમન ગિલ 98 રને નોટઆઉટ રહ્યો હતો. ધવને 58 રન કર્યા. જ્યારે શ્રેયસ અય્યરે 44 અને સૂર્યકુમાર યાદવે 8 રન કર્યા હતા. સેમસન 6 રને નોટઆઉટ રહ્યો હતો. ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે વેસ્ટઇન્ડિઝને 35 ઓવરમાં 257 રન ચેઝ કરવાના હતા. પરંતુ કેરેબિયન ટીમ 26 ઓવરમાં 137 રનમાં જ ખખડી ગઈ હતી. બ્રેન્ડન કિંગ અને નિકોલસ પૂરને 42-42 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ યુઝવેંદ્ર ચહલે 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. તો અક્ષર પટેલ અને પ્રસિદ્ધ કૃષ્ણાને 1-1 વિકેટ મળી હતી.
ત્રીજી વનડેમાં 98 રનની શાનદાર ઇનિંગ માટે શુભમન ગિલને પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. તેણે 98 બોલમાં 98 રન કર્યા હતા. તેની આ ઇનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. તો પૂરી સિરિઝમાં દમદાર પ્રદર્શન કરવા બદલ તેને પ્લેયર ઑફ ધ સિરિઝ પણ બનાવવામાં આવ્યો હતો. તેણે 3 મેચમાં કુલ 205 રન ફટકાર્યા હતા.
આ સીરિઝમાં વિજયની સાથે જ ટીમ ઈન્ડિયા કોઈ પણ એક દેશ સામે સતત સૌથી વધારે વન-ડે બાઈલેટરલ સીરિઝ જીતનારી ટીમ બની ગઈ છે. વેસ્ટઈન્ડીઝ સામે ભારતની આ સતત 12મી જીત છે. 2007થી શરૂ કરીને 2022 સુધી ભારત સતત 12 સીરિઝ જીતતું આવ્યું છે. ત્યાર બાદ પાકિસ્તાનનું નામ આવે છે. પાકિસ્તાન 1996થી 2021 દરમિયાન ઝિમ્બાબ્વે સામે 11 તથા વેસ્ટઈન્ડીઝ સામે 10 સીરિઝ જીત્યું છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે સામે તથા ભારત શ્રીલંકા સામે સતત 9-9 વનડે સીરિઝ જીત્યું છે. વેસ્ટઈન્ડીઝ માટે આ છેલ્લા 2 મહિનામાં સતત 9મી હાર છે. જ્યારે પોતાની જ હોમપીચ પર કોઈ પણ દેશ દ્વારા વનડેમાં મળેલી આ સૌથી મોટી હાર છે. વેસ્ટઈન્ડીઝ અગાઉ પોતાની હોમપીચ પર કદી 119 રનથી નહોતું હાર્યું.