ઘણા વર્ષોથી સમસ્યાઓનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરની પરેશાનીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરના કિસ્સામાં, હવે વધુ એક મોટી રિયલ એસ્ટેટ કંપની “સુપરટેક”ને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી-NCRમાં ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહેલી આ કંપનીને NCLT દ્વારા નાદાર જાહેર કરવામાં આવી છે.આ નિર્ણય બાદ 25હજારથી વધુ લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે કે જેઓએ સુપરટેક પાસેથી ઘર ખરીદ્યું છે અને તે મળવાની રાહ જોઈ રહ્યા છે.
સુપરટેક લિમિટેડની એનસીઆર-ગુરૂગ્રામ, ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં અનેક પરિયોજનાઓ આવેલી છે. સુપરટેકના ધિરાણકર્તાઓમાંની એક યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ લોનના હપ્તાની ચૂકવણી ન થતાં NCLTમાં અરજી કરી હતી. એનસીએલટીએ શુક્રવારે બેંકની અરજી સ્વીકારી અને નાદારીની પ્રક્રિયાનો આદેશ આપ્યો. NCLTની દિલ્હી બેન્ચે આ મામલે નાદારીની પ્રક્રિયાને આગળ વધારવા માટે હિતેશ ગોયલને ઇન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે નિયુક્ત કર્યા છે.NCLTએ 17 માર્ચે હાથ ધરાયેલી સુનાવણી બાદ આ મામલે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. સુપરટેકે યુનિયન બેંક સામે વન ટાઇમ સેટલમેન્ટની ઓફર મૂકી હતી, જેને બેંકે નકારી કાઢી હતી.
જો કે રીયલ એસ્ટેટ કંપની સુપરટેકે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે ઘરના ખરીદદારોના હિતમાં, પ્રોજેક્ટના નિર્માણ અને ડિલિવરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. અમારી પાસે છેલ્લા 7 વર્ષમાં 40,000 થી વધુ ફ્લેટ પહોંચાડવાનો મજબૂત રેકોર્ડ છે અને અમે અમારા મિશન માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિશન કમ્પ્લીશન 2022 હેઠળ અમારા ખરીદદારોને ડિલિવરી કરવાનું ચાલુ રાખીશું.