વિવાદનું બીજુ નામ બની ગયેલ જામ્યુકોનો એસ્ટેટ વિભાગ તેની હરકતોને લઇને છાસવારે ચર્ચામાં અને શંકામાં રહે છે. એસ્ટેટ વિભાગની વધુ એક શંકા ઉપજાવે તેવી સુપરસ્પીડ કાર્યવાહી સામે આવી છે. સામાન્ય રીતે અરજીઓ પર કાર્યવાહી કરવામાં મહિનાઓ કાઢી નાખતો આ વિભાગ જ્યારે કોઇ અરજી પર તાબડતોબ કાર્યવાહી કરે ત્યારે શંકા ઉપજે તે સ્વાભાવિક છે. આવી જ એક વિવાદાસ્પદ કાર્યવાહી સામે આવી છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં શ્રીનાથજી પાર્ક તથા ગ્રિનવુડ સોસાયટી વિસ્તારમાં દિવાલ અંગે આરટીઆઇ એક્ટિવીસ્ટ સહિત કેટલાંક પ્લોટ ધારકોએ કરેલી અરજીમાં જામ્યુકોમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ ગણતરીના કલાકોમાં વિવાદાસ્પદ સ્થળે પહોંચી ગયા હતાં. ગ્રિનવુડ સોસાયટીના રહેવાસી દ્વારા આ દિવાલ ગેરકાયદે હોવાની અરજી કરવામાં આવી હતી. તેમજ બંને સોસાયટીને જોડતો રસ્તો બ્લોક કરવામાં આવ્યો હોવાની ફરિયાદ અરજી આપવામાં આવી હતી. જેના બીજા જ દિવસે એસ્ટેટના બાહોશ અધિકારીઓ આ સ્થળે પહોંચી ગયા હતાં. દરમિયાન શ્રીનાથજી પાર્કના રહેવાસીઓએ પણ અહીં કોઇ રસ્તો ન હોવાનું અને દિવાલ વર્ષો પહેલાં બનાવવામાં આવી હોવાની રજૂઆત કરી હતી. જેને કારણે વિવાદ વકર્યો હતો. શ્રીનાથજી પાર્કના રહેવાસીઓએ જો અહીં રસ્તો હોય તો તેના પ્લાન નકશા દર્શાવવા રજૂઆત કરી હતી. ત્યારબાદ દિવાલ દૂર કરવાની કાર્યવાહી એસ્ટેટ દ્વારા કામ ચલાવ અટકાવી દેવામાં આવી હતી.
અરજી ઉપર કાર્યવાહી કરવામાં એસ્ટેટ વિભાગની આ ઝડપ શંકા ઉપજાવી રહી છે. શું કોઇના ઇશારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે? તેવો પ્રશ્ર્ન પણ ઉઠી રહ્યો છે. સામાન્ય રીતે કોઇ અરજીમાં મહિનાઓ સુધી એસ્ટેટ વિભાગ કોઇ કાર્યવાહી કરતું નથી.