જામનગરના ફલ્લા રોડ પરથી બુધવારે સાંજે પસાર થતા ટોરસ ટ્રકના ચાલકે કાબુ ગુમાવી દેતા બસની રાહ જોતા ઉભેલા 15 જેટલા વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો.
આ અકસ્માતની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામે બુધવારે સાંજે પાંચ વાગ્યે ટોરસ ટ્રકે પલ્ટી મારતા 15 જેટલાં વિદ્યાર્થીઓને ચમત્કારિક બચાવ થયો હતો. જામનગરથી રાજકોટ તરફ જતો ટોરસ ટ્રક નં. જીજે-10 ડબલ્યુ-5820ના ડ્રાયવરે ફલ્લાની ગોલાઇ પાસે પહોંચતા જ કાબુ ગુમાવતાં ટ્રક લથડીયા ખાતો-ખાતો બસ સ્ટેન્ડ પાસે પલ્ટી મારી ગયો હતો. ફલ્લાનાં બસ સ્ટેન્ડે પોત-પોતાના ગામ જ્યાં બસની રાહ જોઇ ઉભેલા 15 જેટલા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી. નજરે જોયેલાઓનાં કહેવા મુજબ પાંચેક વિદ્યાર્થીઓ ટ્રક નીચે દટાવાની આશંકા સેવવામાં આવી હતી. ફલ્લા તથા નજીકનાં આશરે 400 જેટલા લોકો ભેગા થઇ ગયા હતાં અને પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રકને જાત મહેનતે ખાલી કર્યો હતો. તાબડ-તોબ બે જેસીબી પણ સ્થળ પર આવી ગયા હતાં. તેમણે ટ્રકને ઉંચી કરીને જોતાં કોઇ વ્યક્તિ ન દેખાતા રાહતનો શ્ર્વાસ લીધો હતો. વિદ્યાર્થીઓનાં કહેવા મુજબ ટ્રક લથડીયા ખાતો આવતાં જીવ બચાવીને ભાગતા ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતનાં પગલે લોકોનાં ટોળેટોળા ભેગા થયા હતાં. બચાવ કાર્યમાં લાગેલા યુવાનો તથા જેસીબી ચાલકોની સરાહના કરી હતી.