Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોમન સિવિલ કોડનો સમય પાકી ગયો ?

કોમન સિવિલ કોડનો સમય પાકી ગયો ?

- Advertisement -

દિલ્હી હાઈકોર્ટે અનુચ્છેદ 44નો ઉલ્લેખ કરીને દેશમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવાની મજબૂત અને મહત્ત્વપૂર્ણ હિમાયત કરી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, સમાજમાં હવે ધર્મ, જાતિ અને સમુદાય સંબંધિત બાધાઓ ઘટી રહી છે. તલાકનાં એક કેસમાં ફેંસલો આપતાં હાઈકોર્ટે કહ્યું હતું કે હવે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની આવશ્યકતા છે.

જસ્ટિસ પ્રતિભા એમ.સિંહે પોતાનાં ચુકાદામાં કહ્યું છે કે, આજનું હિન્દુસ્તાન ધર્મ, જાતિ કે સમુદાયની વાડાબંધીમાંથી બહાર નીકળી ગયું છે. આધુનિક ભારતમાં આવી બાધાઓ ઝડપથી તૂટી રહી છે. આ તેજ પરિવર્તનનાં કારણે આંતરધર્મ અને આંતરજ્ઞાતીય વિવાહ કે વિચ્છેદ એટલે કે છૂટાછેડામાં સમસ્યાઓ પેદા થવા લાગી છે. આજની યુવા પેઢીની આ મુશ્કેલીઓ સામે ઝૂઝવું ન પડે તે માટે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવું જોઈએ. સંવિધાનનાં અનુચ્છેદ 44મા આના માટે આશા વ્યક્ત કરવામાં આવી હતી અને હવે તેને માત્ર ઉમીદ ન રહેવા દેતાં સાકાર સ્વરૂપ આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યારે ધર્મ અને સમુદાયો માટે અલગ-અલગ પર્સનલ લો છે. જેમ કે મુસ્લિમ પર્સનલ લોમાં ચાર નિકાહની છૂટ છે જ્યારે હિન્દુ સહિતનાં અન્ય ધર્મોનાં કાયદામાં એક જ વિવાહને અનુમતિ આપવામાં આવેલી છે. આ ઉપરાંત લગ્નની વય સહિતની અનેક વિસંગતતાઓ આ કાયદાઓમાં જોવા મળે છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસને લખવામાં આવેલા એક પત્રમાં પણ અપીલ કરવામાં આવી હતી કે દેશમાં પર્સનલ લોને એકસમાન કરવા માટે દાખલ થયેલી વિભિન્ન અરજીઓની એકસાથે સુનાવણી કરવાં માટે એક ખંડપીઠની રચના કરવામાં આવે. જો કે તેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માગણી કરતી કોઈ અરજી નહોતી.

શું છે અનુચ્છેદ 44: ભારતીય બંધારણનાં અનુચ્છેદ 44માં રાજ્ય નીતિનિર્દેશ તત્ત્વો અને સિદ્ધાંતોની પરિભાષા કરવામાં આવેલી છે. જેમાં સમાન નાગરિક સંહિતાની ચર્ચા પણ થયેલી છે. આમાં કહેવામાં આવ્યું છે કે, ભારતનાં સમસ્ત રાજ્યક્ષેત્રમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા હાંસલ કરવાં માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular