જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાંથી ચાર-પાંચ માસ દરમિયાન અજાણ્યા તસ્કરોએ સમયાંતરે સળિયા અને બ્રાસનો ભંગાર મળી કુલ રૂા.84.48 લાખનો 19,200 કિલો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જો કે, આ ચોરીમાં કારખાનો કર્મચારી કે શ્રમિક સંડોવાયેલો હોય તે દિશામાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કૃષ્ણનગર શેરી નં.1 માં રહેતાં અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતાં સુરેશભાઈ પ્રેમજીભાઈ હિરપરા નામના પ્રૌઢનું શંકરટેકરી ઉદ્યોગનગર શેરી નં.408 માં આવેલા સ્ટર્લિંગ એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાંથી છેલ્લાં ચારથી પાંચ માસ દરમિયાન અજાણ્યા તસ્કરોએ સમયાંતરે થોડો-થોડો કરીને હજારો કિલો ભંગારની ચોરી કરવામાં આવી હતી. દરમિયાન બ્રાસનો સામાન ઓછો થવાથી માલિકને જાણ થતા તેણે આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ આર.કે. કરમટા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી અને માલિક સુરેશભાઈના નિવેદનના આધારે તેના કારખાનામાંથી 19,200 કિલો જેટલો બ્રાસપાર્ટનો ભંગાર અને સળિયા મળી કુલ રૂા.84,48,000 ની કિંમતના સામાનની ચોરી થયાનો અંદાજ હતો. જેના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધ્યો હતો.
પોલીસના પ્રાથમિક તારણમાં આ ચોરી કારખાના જ મજૂર કે કર્મચારીની સંડોવણી વગર શકય ન હોવાથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરતાં બે જેટલા મજુરો દ્વારા ચોરી આચરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. જેના આધારે પોલીસે કારખાનાના મજૂરો અને કર્મચારીઓની પૂછપરછ આરંભી આ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.