જામનગર શહેરના સેતાવાડ પાસે આવેલ મણિયાર શેરી નજીક રહેતાં આર્કિટેક યુવાનના મકાનના દરવાજાના તાળા તોડી લાકડાના કબાટમાંથી 35 હજારની રોકડ તથા રૂા. 5,40,000 ના સોનાના દાગીના મળી કુલ રૂા.5,75,000 ની માલમતાની ચોરીના બનાવમાં પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા તપાસ આરંભી હતી.
વિધાનસભા 2022 ની ચૂંટણીઓ જાહેર થયા બાદ જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરોનો રંજાડ દિવસને દિવસે વધતો જાય છે પોલીસ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે તસ્કરો એક પછી એક મકાનોને નિશાન બનાવીને ચોરી કરી રહ્યા છે. હાલમાં જ મોમાઈનગર વિસ્તારમાં એક સાથે ત્રણ મકાનોના તાળા તૂટયા હતાં. ત્યારબાદ જામનગર શહેરના સેતાવાડ નજીક રમણ પાન પાસે આવેલા સુરૂચિ કુકિંગ કલાસ નામના મકાનમાં રહેતા અને હાલ અમદાવાદમાં બ્રિજેશભાઈ ભૂપેન્દ્રભાઈ ભાઠા નામના આર્કિટેક યુવાનના તા.10 ના બપોરે 2:30 વાગ્યાથી 12 તારીખના બપોરના 2:30 વાગ્યા સુધીના 48 કલાકના સમય દરમિયાન તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ રૂમમાં આવેલા લાકડાના કબાટનું તાળુ તોડી તેમાંથી સાધનાબેને રાખેલા રૂપિયા દોઢ લાખની કિંમતની સોનાની છ તોલાની ચાર બંગડી, 75 હજારની કિંમતની બે નંગ ત્રણ તોલાની સોનાની પાટલી અને દોઢ લાખની કિંમતના છ તોલાના સોનાના ત્રણ નંગ ચેઈન તેમજ રૂા.1.25 લાખના પાંચ તોલાના સોનાના બે નંગ પાટલા તથા રૂા. 10 હજારની કિંમતની સોનાની ચાર બંગડી, એક સોનાની બુટી તેમજ રૂા.25,000 ની રોકડ સહિત રૂા.5,30,000 ની કિંમતના દાગીના મળી રૂા.5.55 લાખની માલમતા ચોરી કરી ગયા હતાં.
તેમજ કુસુમબેનના અન્ય લાકડાના કબાટમાંથી રાખેલી સોનાના હીરા જડિત રૂા.10 હજારની એક બુટી અને કાગળના કવરમાં રાખેલી રૂા.10 હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. આમ, તસ્કરોએ લાકડાના બે કબાટમાંથી કુલ રૂા.35 હજારની રોકડ રકમ અને રૂા.5.40 લાખની કિંમતના સોનાના દાગીના સહિત કુલ રૂા.5,75,000 ની કિંમતના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. આ અંગેની આર્કિટેક યુવાન દ્વારા જાણ કરાતા પીઆઈ એમ.બી. ગજ્જર તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ચોરીની તપાસ આરંભી ગુનાશોધક શ્ર્વાન અને એેફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.