કાલાવડ તાલુકાના જશાપર ગામમાં રહેતાં એક ખેડૂતના મકાનમાંથી સાત લાખની માલમતાની ચોરી બાદ જશાપરમાં જ આવેલા ફળદુ પરિવારના ખોડિયાર માતાજીના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીનો હાર અને 29 છતરો સહિત રૂા.62 હજારની કિંમતના દાગીનાની ચોરી કરી ગયા હતાં.
કાલાવડ તાલુકાના નાના એવા જશાપર ગામમાં ખેડૂતના મકાનમાંથી લાખોની માલમતાની ચોરી થયા બાદ ગામમાં જ આવેલા ફળદુ પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી માતાજીનો ગળાનો ચાંદીનો 450 ગ્રામનો રૂા.12 હજારની કિંમતનો હાર અને નાના મોટા રૂા.50 હજારની કિંમતના 29 છતરોની ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં આવેલા સ્ટોલ રૂમનો નકૂચો તોડી અંદર રહેલ લોખંડના કબાટમાંથી સામાન વેર વિખેર કરી કુલ રૂા.62 હજારની કિંમતના માતાજીના આભુષણોની ચોરી કરી ગયા હતાં. એક જ ગામમાં રાત્રિના સમય દરમિયાન ચોરીની બે મોટી ઘટનાએ ગ્રામજનોમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ ચોરીની સુરેશભાઇ ફળદુ દ્વારા જાણ કરાતા પીઆઈ યુ.એચ. વસાવા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.