દેશનું નામ ભારત હોવું જોઈએ કે ઇન્ડીયા હોવું જોઈએ તે અંગે ચર્ચાઓ, દલીલો અને પ્રતીકોની રાજનીતિનો સિલસિલો ચાલુ છે. આ બધાની વચ્ચે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ભારતના રાષ્ટ્રપતિ બન્યા છે, જયારે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ભારતના વડા પ્રધાન બન્યા છે. ભારત અને ઇન્ડિયા વચ્ચેના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નામ બદલવાને માત્ર અફવા ગણાવી છે, જયારે ભાજપે વિપક્ષને પૂછ્યું છે કે નામ બદલવાથી તેમને શું તકલીફ થઇ રહી છે? આ વિવાદ ત્યારે શરૂ થયો જયારે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 8થી 10 સપ્ટેમ્બર વચ્ચે યોજાનારી જી-20 બેઠક દરમિયાન 9 સપ્ટેમ્બરે દેશના મહાનુભાવોને આમંત્રણ પત્ર મોકલ્યો. આ પત્રમાં ભારતના રાષ્ટ્રપતિ લખવામાં આવ્યા હતા. આ પછી વિપક્ષે આ નામને લઈને સરકાર પર રાજકીય તીર છોડવાનું શરૂ કર્યું. આ બધાની વચ્ચે વિદેશ મંત્રાલયે પીએમ મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાત પર ભારતના વડાપ્રધાન લખ્યું.
આ દરમિયાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, ‘નામ બદલવાની વાત માત્ર અફવા છે, સંસદના વિશેષ સત્રમાં આવું કંઈ થવાનું નથી. હું ભારત સરકારમાં મંત્રી છું અને જી-20ના લોગો પર ભારત અને ઇન્ડિયા બંને લખેલું છે તો પછી કોઈ કારણ વગર અફવાઓ કેમ ફેલાવવામાં આવે છે. આવી અફવાઓ કોણ ફેલાવે છે? તેમણે કહ્યું, ‘આખરે ભારત શબ્દથી કોઈને શું સમસ્યા થઈ શકે છે, આખરે, ભારત શબ્દથી શું તકલીફ છે. આ તેમની માનસિકતા દર્શાવે છે, તેમને ભારત સામે વિરોધ છે, કદાચ તેથી જ જયારે તેઓ વિદેશ જાય છે ત્યારે ત્યાં ભારતની ટીકા કરે છે.
જી-20 સમિટ સમાપ્ત થયા પછી, સરકારે 18થી 23 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર નક્કી કર્યું છે. સરકારે હજુ સુધી આ સત્રનો એજન્ડા સાર્વજનિક કર્યો નથી, જેના કારણે વિરોધ પક્ષોમાં આશંકા છે. ક્યારેક વિપક્ષી પાર્ટીઓ અનુમાન લગાવી રહી છે કે સરકાર બંધારણમાં સુધારો કરીને તેની જગ્યાએ ભારત લાવી શકે છે.