જામનગર શહેરના વોર્ડ નં. 9ના શાસકપક્ષના કોર્પોરેટર દ્વારા સ્વખર્ચે ભૂગર્ભ ગટર બનાવવા તૈયારી દર્શાવ્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને આજરોજ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા વોર્ડ નં. 9માં સર્વે કરી ગટરની કામગીરીનો પ્રારંભ કરાયો હતો.
જામનગર શહેરના વોર્ડ નં. 9ના આણદાબાવા ચકલાથી દેવબાગ થઇ કલ્યાણજીના મંદિર તરફ જતાં રસ્તામાં છેલ્લા છ માસથી ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યા હોય, આ અંગે એએસઆઇ તથા કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા ભૂગર્ભ ગટર શાખામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં કોર્પોરેટર નિલેશ કગથરાએ કમિશનરને પત્ર લખી સ્વખર્ચે ગટર બનાવવાની મંજૂરી આપવાની માગણી કરતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેને લઇ તંત્ર આજે હરકતમાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખાના અમિતભાઇ કણસાગરા સહિતના અધિકારીઓ દ્વારા કોર્પોરેટર નિલેશભાઇ કગથરાને સાથે રાખી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે સર્વે કરવામાં આવ્યો હતો અને ભૂગર્ભ ગટરની કામગીરી શરુ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.