ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે.
ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.
આ પત્રકાર પરિષદમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્ય, અધિક સચિવ શ્રી પ્રકાશ પટણી, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ.બી. પટેલ અને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી પી.ડી. પલસાણા ઉપસ્થિત રહ્યાં હતાં.
મતદાર યાદીઃ
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા. 05/01/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1,503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.
આજના દિવસ બાદ નામ કમી/સુધારાની જે અરજીઓ મળશે તેનો નિર્ણય લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.
મતદાર ફોટો ઓળખકાર્ડઃ
સપ્ટેમ્બર-2023 ના ત્રીજા અઠવાડિયાથી ડિસેમ્બર-2023ના બીજા અઠવાડિયા (સંક્ષિપ્ત સુધારણા 2024) સુધીમાં જે મતદારોએ મતદારયાદી સંબંધે અરજી કરેલ તેવા 13 લાખથી વધુ મતદારો માટે EPIC વિતરણની કામગીરી ડિપાર્ટમેન્ટ ઑફ દ્વારા હાલ ચાલુ છે, જે માર્ચ-2024ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. ડિસેમ્બર-2023ના ત્રીજા અઠવાડિયાથી ફેબ્રુઆરી-2024ના પહેલા અઠવાડિયા સુધીમાં જે મતદારોએ મતદારયાદી સંદર્ભે અરજી કરેલ તેવા 3.5 લાખથી વધુ મતદારો માટે EPIC કાર્ડ મતદાનના દિવસ પૂર્વે તમામને મળી જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
ઈવીએમ વ્યવસ્થાપનઃ
ગુજરાત રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણીના સંચાલન માટે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં FLC OK EVM અને VVPAT ઉપલબ્ધ છે. જેમાં 87,042 BU, 71,682 CU અને 80,308 VVPAT નો સમાવેશ થાય છે. EVM-VVPAT મશીનોનું 1st Randomization માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે. જેમાં વિધાનસભા મતવિસ્તાર મુજબ EVM-VVPAT મશીનોની ફાળવણી કરવામાં આવશે. તેમજ 2nd Randomization હરીફ ઉમેદવારો તેમજ Observers ની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક પ્રમાણે કરવામાં આવશે.
મતદાન મથકો અને વિશિષ્ટ મતદાન મથકોઃ
પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 50,677 મતદાન મથકો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 17,202 મતદાર મથકો આવેલા છે. રાજ્યના કુલ 29,568 મતદાન મથક સ્થળો પૈકી 23,252 મતદાન મથક સ્થળો ગ્રામ્ય વિસ્તારોમાં તથા 6,316 મતદાર મથક સ્થળો શહેરી વિસ્તારોમાં છે. રાજ્યમાં 110 મતદાન મથકો એવા છે, જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે ત્યાં હાલમાં પૂરક મતદાનમથક બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ તમામ મતદાન મથકોની ભૌતિક ચકાસણી કરવામાં આવી છે અને તમામ મતદાન મથકો ભોંયતળિયે આવેલા છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાનમથકને ‘આદર્શ મતદાન મથક’ તરીકે સ્થાપિત કરવામાં આવશે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવશે. આ મતદાન મથકોને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવશે. મતદારોને મતદાન મથકનો સુખદ અનુભવ પ્રાપ્ત થાય તે હેતુથી અમુક મતદાન મથકોમાં વિશિષ્ટ સજાવટ કરવા, મતદાન મથકે સેલ્ફી બુથની વ્યવસ્થા કરવા, મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડવા તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, મતદારોને તેઓના મતાધિકારનો ઉપયોગ કરવામાં અગવડ ન પડે તે હેતુથી તમામ મતદાન મથકોએ ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. તમામ મતદાન મથકોએ યોગ્ય ઢોળાવ ધરાવતાં રેમ્પ,પીવાના પાણીની સુવિધા, પ્રકાશ માટે વીજળીની સુવિધા, મતદારોના માર્ગદર્શન માટે જરૂરી દિશા ચિન્હો અને શૌચાલય જેવી સુવિધાઓ મળી રહેશે.
ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછામાં ઓછા 07 મતદાન મથકોની મહિલા સંચાલિત એટલે કે ‘સખી મતદાન મથક’ તરીકે રચના કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આવા 1,274 સખી મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર વગેરે તરીકે માત્ર મહિલા અધિકારીઓ ફરજ બજાવશે.
ગુજરાત વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક બનાવવામાં આવશે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તક મળે તેમજ દિવ્યાંગ મતદારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી મતદાન મથકનો તમામ પોલીંગ સ્ટાફ દિવ્યાંગ હોય તેવા દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત 182 મતદાન મથકો બનાવવામાં આવશે.
યુવા મતદારો પણ ચૂંટણી સંચાલનમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને લોકશાહીમાં યુવા મતદારોની વધુમાં વધુ ભાગીદારી થાય તે હેતુથી ગુજરાતમાં દરેક જિલ્લા દીઠ એક મતદાન મથક એવું હશે જે મતદાન મથકનો તમામ સ્ટાફ યુવા હોય.
આ ઉપરાંત ‘No Voter to be left behind’ ના સંકલ્પ સુત્રને ચરિતાર્થ કરતાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યના કેટલાક એવા દુર્ગમ સ્થળોએ પણ મતદાન મથક તૈયાર કરવામાં આવે છે, જેનાથી તે વિસ્તારના મતદારોને મતદાનમાં સુગમતા રહે. જેમ કે, ગીર સોમનાથ જિલ્લાના બાણેજ ખાતે માત્ર એક મતદાર માટે મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના આલિયાબેટ ટાપુ ખાતે 217 મતદારો માટે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મતદારોને મતદાન કરવા બસમાં 82 કિલોમીટર જેટલી મુસાફરી કરવી પડતી હતી.
પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનઃ
ચૂંટણી ફરજ પર રોકાયેલા હોય અને તેના કારણે પોતાના મતદાન મથકમાં મતદાન કરી શકે તેમ ન હોય તેવા ચૂંટણી ફરજ પર નિયુક્ત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તથા જાહેર સેવકોને પોસ્ટલ બેલેટ/EDC દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. ચૂંટણી સંચાલનના નિયમો, ૧૯૬૧ માં નિયમ ૧૮ (એ) દાખલ કરવામાં આવેલ છે. તે મુજબ આવા તમામ કર્મચારીઓ મતદાન સહાય કેન્દ્ર પર પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સગવડ આપવામાં આવનાર છે.
વરિષ્ઠ મતદારો માટે હોમ વોટીંગની વયમર્યાદા:
ગત વિધાનસભા ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો તેમના નિવાસસ્થાને મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી. ચૂંટણી પંચે આ જોગવાઈમાં સુધારો કરી 80+ વર્ષની ઉંમરને બદલે 85+ વર્ષ કરેલ છે.
હોમ વોટીંગની સુવિધાઃ
ભારતના ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો તથા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
ચૂંટણીલક્ષી કામગીરી માટે સ્ટાફઃ
લોકશાહીના મહાપર્વને સુપેરે પાર પાડનારા કર્મચારીઓ અને અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયાના આધારસ્તંભ સમાન છે. લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ-કર્મચારીઓ આવરી લઈ અંદાજે 4,50,000 નો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં 55,800 થી વધુ પ્રિસાઈડિંગ ઑફિસર્સ, 1.67 લાખથી વધુ પોલીંગ ઑફિસર્સ, 6,300 થી વધુ સેક્ટર ઑફિસર અને 5,200 થી વધુ માઈક્રો ઑબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે 1 લાખ 20 હજાર જેટલું પોલીસ દળ ઉપલબ્ધ છે.
તાલીમઃ
ચૂંટણી પ્રક્રીયાના સુચારુ સંચાલન માટે ચૂંટણી પ્રક્રીયા સાથે સંકળાયેલા જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર્સ વગેરેનું ઑનલાઈન/ઑફલાઈન તાલીમ કાર્યક્રમો દ્વારા ક્ષમતાવર્ધન કરવામાં આવ્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અનુસંધાને રાજ્યકક્ષાએ 19 ડિસ્ટ્રીક્ટ લેવલ નોડલ ઑફિસર્સ વિગતવાર તાલીમ આપવામાં આવેલ છે.
સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રક્રીયા સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓના વિશાળ સમૂહને તાલીમ આપવા માટે રાજ્યકક્ષાએ વિવિધ વિષયોના રીસોર્સ પર્સન્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 81- સ્ટેટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ, 72- ડિસ્ટ્રીક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ અને 364- એસેમ્બ્લી લેવલ માસ્ટર ટ્રેઈનર્સને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. વધુમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત 18- નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ પણ Resource Pool તરીકે ઉપલબ્ધ છે.
ચૂંટણી પ્રક્રીયા સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તેમજ રીસોર્સ પર્સન્સને PDF, વિડિઓ, PPT વગેરે સ્વરૂપે સરળતાથી તાલીમ સાહીત્ય ઉપલબ્ધ થાય તે હેતુથી Learning Portal તૈયાર કરવામાં આવ્યું છે. વધુમાં જિલ્લા કક્ષાના કર્મચારીઓ માટે ભારતના ચૂંટણી પંચ તરફથી મળેલ વિવિધ મેન્યુઅલ્સ, હેન્ડબુક્સ, ચેકલિસ્ટ તથા Do’s & Don’ts પૈકી જરૂરી સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો છે.
આદર્શ આચારસંહિતા અને c-VIGIL:
ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, જાહેર મકાનો પરના લખાણો, બેનરો, પોસ્ટર્સ વગેરે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી મિલ્કતોના સ્થળેથી, વૉલ રાઈટીંગ, પોસ્ટર્સ, પેપર્સ, કટઆઉટ્સ, હોર્ડિગ્સ, બેનર્સ, ફ્લેગ્સ વગેરે દૂર કરવામાં આવશે. આદર્શ આચાર સંહિતાના વધુ ગંભીર ભંગ તથા કાયદો વ્યવસ્થાના ભંગ અંગેની ફરીયાદો પર ત્વરીત પગલાં લેવા તેમજ આ અંગે રોજેરોજ ભારતના ચૂંટણી પંચને અહેવાલ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ફરીયાદ હવે ઓનલાઈન અને રીયલ ટાઈમમાં થઈ શકશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ c-VIGIL એપ્ મારફતે કોઈપણ અરજદાર કોઈપણ સ્થળેથી આ અંગેની ફરીયાદ કરી શકશે.
ચૂંટણી જાહેર થતાંની સાથે જ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે તમામ જિલ્લાઓમાં 756 ફ્લાઈંગ સ્કૉડ, 206 એકાઉન્ટીંગ ટીમ, 251 વિડીયો વ્યૂઈંગ ટીમ, 480 વિડીયો સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણની અદ્યતન સુચનાઓ મુજબ તમામ જિલ્લા તંત્રને જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે આઈ.ટી. ઈનિસિયેટીવ અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા ESMS App-(Election Seizure Management System) તૈયાર કરવામાં આવી છે.
મિડિયા સર્ટીફિકેશન, પેઈડ ન્યુઝ અને મિડિયા મોનીટરીંગઃ
સોશિયલ મીડિયા સહિત ઈલેક્ટ્રોનિક મિડિયામાં પ્રસારિત કરવાની થતી રાજકીય જાહેરાતોનું સમગ્ર વર્ષ દરમિયાન પ્રિ-સર્ટીફિકેશન મેળવવાની વ્યવસ્થા છે. નોંધાયેલા રાષ્ટ્રીય/રાજ્યકક્ષાના રાજકીય પક્ષ તથા ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ જાહેરાત પ્રસારિત કરવાની હોય તેના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે. તે સિવાયના નોંધાયેલા ન હોય તેવા રાજકીય પક્ષો કે અન્ય વ્યક્તિઓએ સાત દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે રજૂ કરવાની રહેશે. મતદાનના આગળના દિવસે કે મતદાનના દિવસે પ્રિન્ટ મિડિયામાં પ્રસિદ્ધ કરવાની થતી જાહેરાત ઓછામાં ઓછા બે દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે.
જો કોઈ ન્યુઝ પેઈડ ન્યુઝ છે એવો નિર્ણય કરવામાં આવશે તો તેનો ખર્ચ જે ઉમેદવારના લાભ માટે પેઈડ ન્યુઝ આપવામાં આવ્યા હશે તેના ખર્ચમાં ગણવામાં આવશે. તદઉપરાંત, સંબંધિત ઉમેદવારનું નામ મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રસારિત થયેલા પેઈડ ન્યુઝના કેસ ન્યુઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાન્ડર્ડસ ઑથોરિટીને તથા પ્રિન્ટ મિડિયામાં પ્રસારિત થયેલા પેઈડ ન્યુઝના કેસ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે. તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્તરીય મિડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી તથા રાજ્ય સ્તરીય મિડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી કાર્યરત છે.
સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ તેમજ ગેરમાર્ગે દોરતા સમાચાર પર દેખરેખ રાખવા માટે રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ સોશિયલ મીડિયા સેલ ઉભા કરવામાં આવ્યા છે, તેમજ સોશિયલ મીડિયા નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.
વેબ કાસ્ટીંગઃ
ભારતના ચૂંટણી પંચ દ્વારા કુલ મતદાન મથકો પૈકીના 50 ટકા મતદાન મથકોનું મતદાનના દિવસે લાઈવ વેબકાસ્ટીંગ કરવાની સૂચના છે. ગુજરાતમાં આશરે 25,000 થી વધુ મતદાન મથકો ખાતેથી વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. આ મતદાન મથકોએ જિલ્લા ચૂંટણી અધિકારીના નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાએ અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરમાં પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. જ્યાં મતદાનના દિવસે મોક પોલથી શરૂ કરીને મતદાન સંપૂર્ણ થાય ત્યાં સુધીની તમામ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવશે.
ફરીયાદ નિવારણઃ
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ રહે તે હેતુથી તા. 16.03.2024 થી સામાન્ય વહીવટ વિભાગના ચૂંટણી પ્રભાગ, બ્લોકનં-6, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ખાતે એક નિયંત્રણ કક્ષ – કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ જાહેર રજાઓના દિવસે પણ કાર્યરત રહેશે. નિયંત્રણકક્ષના ફોન નંબર- (079) 23257791 અને ફોન/ફેક્સ નંબર- (079) 23257792 છે. આ કંટ્રોલ રૂમ ખાતે ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંબંધિત ફરિયાદો અને રજૂઆતો સ્વીકારવામાં આવશે. મતદારોની સગવડ માટે સ્ટેટ કોન્ટેક્ટ સેન્ટરનો હેલ્પલાઈન નંબર- 1800-233-1014 છે. જે કચેરી સમય દરમ્યાન કાર્યરત રહેશે. તે ઉપરાંત, કોઈપણ પ્રકારની ફરીયાદ 1950 (ટોલ ફ્રી નંબર) પર કરી શકાય છે. તેમજ National Grievance Service Portal (www.eci.gov.in) પર ઑનલાઈન પણ ફરીયાદ કરી શકાય છે.
IT ઍપ્લિકેશન્સઃ
ECI દ્વારા મતદારો તેમજ ઉમેદવારો માટે વિવિઘ પ્રકારની એપ્લીકેશન્સ ઉ૫લબ્ઘ કરાવવામાં આવેલ છે. જે પૈકી KYC, PwD તથા VHA એપ્લીકેશન્સ અંગેની માહિતી આ પ્રમાણે છે.
KYC (Know Your Candidate) Application
KYC App ૫ર ઉમેદવારોને નામથી શોઘી શકાય છે તથા જોઇ શકાય છે.
KYC App ૫ર ઉમેદવારોના તેમની ઉમેદવારી ૫ત્ર સંબંઘિત માહિતી, સોગંદનામાની વિગતો (ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળની માહિતી) સહિત ઉ૫લબ્ધ છે.
Saksham Application
(1) PwD મતદાર તરીકે નામ અંકિત કરાવવું.
(2) વ્હીલચેર માટે વિનંતી કરવી.
(3) મતદારયાદીમાં નવું નામ નોંઘાવવું/નામ રદ કરાવવું/સુધારા-વધારા કરવા.
(4) સ્થળાંતર માટે
Voter Helpline Application (VHA)
આ એપ્લીકેશન દ્વારા મતદારોને નીચેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
મતદારયાદીમાં નવું નામ નોંધાવવું/નામ રદ કરાવવું/સુધારા-વધારા કરવું.
ઉમેદવાર વિષે માહિતી મેળવવી
મતદારનું નામ સર્ચ કરવું
ફરિયાદ કરવા માટે
મતદાર જાગૃતિ માટે EVM નિદર્શન વાનઃ
આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ 40 જેટલી LED વાન દ્વારા વિવિધ જિલ્લાના દૂધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તાર તથા કૉલેજ, યુનિવર્સિટી કેમ્પસ, GIDC વિસ્તાર અને બગીચા જેવા શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હતા.
રાજ્યના તમામ મતક્ષેત્રમાં નિશ્ચિત રૂટ પર આ LED વાન સાથે ચૂંટણી તંત્રના કર્મચારીશ્રીઓ દ્વારા ચૂંટણીલક્ષી માહિતી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ મોબાઈલ ઍપ્સ તથા EVM અને VVPAT દ્વારા મતદાનની પ્રક્રિયાના લાઈવ ડૅમોન્સ્ટ્રેશન સહિતની બાબતોથી મતદારોને અવગત કરાવવામાં આવ્યા હતા.
ગત લોકસભા ચૂંટણીમાં 50% થી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત 10% થી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્રતયા રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઑડિયો/વિડિયો તથા હોર્ડિંગ્સનું નિદર્શન પણ આવી LED વાન પર કરવામાં આવ્યું હતું.
રાજ્યના નાગરિકો જોગ અપીલઃ
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કરતાં જણાવ્યું છે કે, હજુ પણ પોતાનું અને પોતાના પરિવારના પુખ્ત વયના સભ્યોનું નામ મતદારયાદીમાં છે કે નહિં તે તપાસી લે. જરૂર જણાયે હજુ પણ મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે અરજી કરી શકાય છે. આ માટે Voter Helpline App, Voter Service Portal (https://voters.eci.gov.in) પર ઓનલાઈન કરી શકાય છે અને મામલતદાર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા કલેકટર કચેરીમાં રૂબરૂ અરજી આપી શકાય છે.