જામનગર સહિત રાજ્યભરના બોન્ડેડ તબીબો દ્વારા છેલ્લા એક અઠવાડીયા જેટલા સમયથી વિવિધ પડતર માંગણીઓને લઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું અને હડતાલ પર ઉતર્યા હતાં. ત્યારે ગઇકાલે બોન્ડેડ તબીબો અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે ચર્ચા-વિચારણા બાદ સરકારના સકારાત્મક વલણને ધ્યાને લઇ બોન્ડેડ તબીબો દ્વારા હડતાલ પાછી ખેંચવામાં આવી છે અને પુન: ફરજ પર જોડાયા છે. જામનગરમાં પણ મેડિકલ કોલેજના જુનિયર તબીબોની હડતાલ નાયબ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત બાદ સમેટાઇ છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ તેમજ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા અને આઇએમએના પ્રમુખ વિજય પોપટની મધ્યસ્થી બાદ આ હડતાલનો અંત આવ્યો હતો.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતાં બોન્ડેડ તબીબો દ્વારા પડતર માંગણીઓ અંગે સરકારને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ ન આવતાં હડતાલ ઉપર ઉતર્યા હતાં. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના પટાંગણમાં છેલ્લા એક અઠવાડીયાથી અનેકવિધ રીતે બોન્ડેડ તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. જુનિયર ડોકટરોના હડતાલ પર જવાના પરિણામે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને પણ મુશ્કેલીઓ પડી હતી. તંત્ર દ્વારા બોન્ડેડ તબીબો વિરુધ્ધ હોસ્ટેલ ખાલી કરવા સહિતના પગલાંઓ લેવા પણ સૂચના આપી હતી. આ છતાં આ હડતાલ યથાવત્ રહી હતી. જેમાં ગઇકાલે જુનિયર તબીબો દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. જેમાં સરકાર દ્વારા આ મામલે સમય માંગી વહેલીતકે જુનિયર તબીબોનો પ્રશ્ન દૂર કરવા આશ્ર્વાસન આપતાં જુનિયર તબીબોએ પણ સરકારના સકારાત્મક વલણને આવકારી હડતાલ સમેટી હતી અને ફરજ પર ફરીથી જોડાવા સહમત થયા હતાં.
જામનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા તેમજ આઇએમએના પ્રમુખ ડો. વિજય પોપટ સહિતના અગ્રણીઓએ ગઇકાલે જુનિયર તબીબો અને રાજ્ય સરકાર વચ્ચે મધ્યસ્થી બની લોકહિતાર્થે આ હડતાલ પૂર્ણ કરાવી હતી અને એમ.પી. શાહ મેડિકલ કોલેજના જુનિયર તબીબોના પ્રશ્ર્ને રાજ્ય સરકાર સાથે ચર્ચા-વિચારણા કરી સકારાત્મક ઉકેલ માટે પ્રયાસ કર્યા હતાં.