ગત તારીખ 20 ઓક્ટોબર અને શરદ પૂનમના પાવન દિવસે જામનગર-કાલાવડ રોડ પર કંકુનગર, વીજરખી પાસે આવેલા હરિદ્રા ગણપતિ મંદિર સંકુલમાં સંકટ મોચન હનુમાનજી મંદિરના નિર્માણ માટેનું શિલા રોપણ કરવામાં આવ્યું હતું. સંકટ મોચન હનુમાનજી મંદિરના શિલારોપણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પૂર્વમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ઉપસ્થિત રહ્યા હતા. ઊના સ્થિત તપોવન આશ્રમના ટ્રસ્ટી નટુબાપુના હસ્તે શિલા રોપણ કરવામાં આવ્યું હતું.
કંકુનગર, વીજરખી પાસે આવેલા હરિદ્રા ગણપતિ મંદિર દ્વારા મંદિર પરિસરમાં જ હરિદ્રા ગણપતિની કૃપા તેમજ પરમ પૂજ્ય ગુરુદેવ મૌની ભિક્ષુજીની આજ્ઞાથી તેમજ તેઓના પ્રસન્નાર્થે સંટકમોચન હનુમાનજી મંદિરની સ્થાપના કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. સંકટમોચન હનુમાનજી મંદિર નિર્માણના પ્રારંભે શિલારોપણ વિધિ યોજવામાં આવી હતી. શરદપૂનમના દિવસે સવારે 11 વાગ્યે ઊનાના તપોવન આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી, સંચાલક તેમજ મહંત નટુબાપુ દેવમોરારીના હસ્તે મંદિરનું ખાતમુહૂર્ત તથા પૂજાવિધિ કરવામાં આવી હતી. તેમજ મંદિરના પાયાનો વાસ્તુ સ્ટોન અને કૂર્મ પરની શ્રીફળ વિધિ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે તપોવન આશ્રમના ટ્રસ્ટીઓ, ભાગવત સપ્તાહના સભ્ય સૂર્યાબા, ભૂતપૂર્વ કોર્પોરેટર ઝાલા તથા ઉદ્યોગપતિઓ વજુભાઈ પંચાસરા તેમજ બિરેનભાઈ બકરાનિયાએ ખાસ હાજરી આપી મંદિર નિર્માણમાં સહયોગ આપવાના શ્રીગણેશ કર્યા હતા. શિલારોપણ વિધિમાં વિશેષ મહેમાન તરીકે તપોવન આશ્રમ-ઊનાના ટ્રસ્ટી ઉમાકાંતભાઈ શાહ (મુંબઈ) અડીખમ હાજરી આપીને સહયોગની ખાતરી આપી હતી. આ ઉપરાંત તપોવન આશ્રમ-ઊનાના ટ્રસ્ટી બુધાભાઈ પટેલ રૂબરૂ ન આવી શક્યા હોય ફોનથી માહિતી મેળવી વાકેફ થયા હતા.
હરિદ્રા ગણપતિ મંદિર અને અન્નક્ષેત્રના સંચાલક એન.એચ.બગડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંકટમોચન હનુમાનજીનું મંદિર 2 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવશે. મંદિર નિર્માણમાં જે કોઈ ભક્તજનો પોતાનો સહયોગ આપવા ઈચ્છતા હોય તેઓ મો.નં-82001 88512 પર સંપર્ક કરી શકે છે. મહત્વનું છે કે, જામનગર-કાલાવડ રોડ પર આવેલા કંકુનગર, વીજરખી પાસેના હરિદ્રા ગણપતિ મંદિર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. છેલ્લા પોણા બે વર્ષથી મંદિર દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. આ અન્નક્ષેત્રમાં દરરોજ બપોરે 150થી વધુ બાળકો અને મંદિરે દર્શને પધારતા ભક્તજનોને નિ:શુલ્ક ભોજન પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં દરરોજ પક્ષીઓને ચણ નાખવામાં આવી રહી છે. સમયાંતરે મંદિર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ અને મોતિયાના નિ:શુલ્ક ઓપરેશન સહિતના સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે.
વિજરખી પાસે સંકટ મોચન હનુમાન મંદિરની શિલારોપણવિધિ યોજાઇ
હરિદ્રા ગણપતિ મંદિર પરિસરમાં 2 હજાર ચોરસ ફૂટમાં બનશે સંકટમોચન હનુમાનજીનું મંદિર