સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જીજી હોસ્પિટલમાં રોજે જામનગર સહીત અન્ય જીલ્લાઓમાંથી પણ હજારો દર્દીઓ આવતા હોય છે. એક બાજુ ઋતુજન્ય બીમારી બેકાબુ બની છે તો બીજી બાજુ જીજી હોસ્પિટલમાં દવાઓનો સ્ટોક છેલ્લા ઘણા સમયથી નથી. બ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલ, વીટામીન અને ઇન્ફેકશનને લગતી બીમારીઓની દવાઓનો સ્ટોક ખૂટી પડ્યો છે. આ બીમારીઓના રોજે 300 જેટલા દર્દીઓ આવે છે. અને દર્દીઓ મેડીકલ સ્ટોરમાંથી દવાઓ લેવા મજબુર બન્યા છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં આ અગાઉ પણ અનેક વખત દવાઓનો સ્ટોક ખાલી થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. અમુક દવાઓ તો કોરોના સમયથી નથી. જામનગરમાં એક બાજુ ઋતુજન્ય બીમારીમાં વધારો થતા રોજે 750 તથા બાળકોના 350થી વધુ કેસ મળી રોજે 1000થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. પરંતુ ઇન્ફેકશનની અમુક દવાઓનો જથ્થો મહિનાઓથી નથી. જેના પરિણામે ગરીબ પરિવારના દર્દીઓએ બહાર મેડીકલમાંથી આ દવાઓ લેવી પડે છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ ઘટના દર્દીઓ પોસ્ટ કોવિડ સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે જીજી હોસ્પિટલમાં વિટામીનની દવાઓ પણ નથી. હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક આ દવાઓના સ્ટોકની વ્યવસ્થા કરવામાં આવે તો ગરીબ પરિવારના દર્દીઓની સમસ્યાનો પણ હલ થઇ શકે.