ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજકોટ બાર એસો. સહિત ગુજરાતના 250 જેટલા જિલ્લા-તાલુકાઓના બાર એસોસિએશનના હોદ્દેદારોને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. અને જણાવ્યું હતું કે, કોર્ટ કાર્યવાહી અંગે શનિવાર સુધીમાં નવી એસોપી આવશે. તેમણે વકીલોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
રાજકોટ બારના પ્રમુખ અર્જુનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘ચીફ જસ્ટિસ વર્ચ્યુઅલ રીતે બારના પ્રતિનિધિઓ સાથે ગઈકાલે સાંજે જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, બારના હોદ્દેદારો સાથે જોડાયા પહેલા તેઓએ ડોક્ટરો સાથે ચર્ચા કરી કોરોના સ્થિતિ અંગે માહિતી મેળવી, પરામર્શ કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યાં સંક્રમણ નથી ફેલાયું તેવા તાલુકાઓની અદાલતોમાં ફિઝિકલ કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું કે, ટૂંક સમયમાં નવી એસોપી જાહેર કરાશે. જોકે તેઓએ મહાનગરોમાં આવેલી અદાલતોમાં વકીલોની પ્રવેશબંધી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ તેમણે અનુરોધ કર્યો કે તેમના દ્વારા જાહેર કરાયેલી એસોપીને અનુસરી વકીલો સહકાર આપે.’ ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યભરની તમામ નીચલી અદાલતોમાં કોર્ટની કાર્યવાહી 10 જાન્યુઆરીથી ઓનલાઈન કરવામાં આવી છે. જેના સંદર્ભે વકીલોમાં નારાજગી છે અને કોર્ટમાં અમુક નિયંત્રણ સાથે પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થાય તેવી માંગ ઉઠી હતી. બાર એસો.ના હોદ્દેદારોના જણાવ્યા બારના પ્રતિનિધિઓને સંબોધન કર્યા પહેલા ચીફ જસ્ટિસ અરવિંદકુમારે નિષ્ણાંત તબીબો સાથે બેઠક કરી હતી.
ચીફ જસ્ટિસે હાઈકોર્ટના અન્ય 10 સિનિયર ન્યાયધીશો સાથે નિષ્ણાંત ડોકટરો સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને નીચલી અદાલતોમાં ઓફલાઇન કોર્ટની કાર્યવાહી કરવાં કરવા સંદર્ભે પરામર્શ કર્યો હતો. કોરોના સંક્રમણ અટકાવવા અદાલતોમાં લોકોની વધુ અવરજવર ન રહે અને ભીડ એકઠી થતા ટાળી શકાય તે માટે ચીફ જસ્ટિસ તરફથી ખાતરી આપવામાં આવી છે, કે આગામી ત્રણ સપ્તાહ સુધી બિન જામીન પાત્ર વોરન્ટ ઇશ્યુ નહીં કરવામાં આવે.