કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે એક યુવાન દ્વારા પોતાના પિતાની લાયસન્સ વાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતા આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસમાં પિતા-પુત્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પંથકમાં એક યુવાન હવામાં ફાયરિંગ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સંદર્ભે કલ્યાણપુર તાબેના ભાટિયા આઉટ પોસ્ટ વિભાગના પી.એસ.આઇ. એલ.એલ. ગઢવી તથા સ્ટાફ દ્વારા ઉપરોક્ત વિડીયો અંગે તપાસ થતા તેની કરાઈ કરવામાં આવતા આ વિડીયો ભોપલકા ગામના રહીશ યશપાલસિંહ અખુભા જાડેજાનો હોવાનું અને તેણે પોતાના રહેણાંક મકાનની છત ઉપર ઊભીને બે રાઉન્ડ ફાયરિંગ કરી તેનો વિડીયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અપલોડ કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું.
પોલીસની વધુ તપાસમાં ઉપરોક્ત યુવાન સામે હથિયાર તથા ફાયરિંગ અંગે કોઈ પરવાનો ન હતો. આ ફાયરિંગ તેણે તેના પિતા અખુભા ભાયલુભા જાડેજાના પરવાનાવાળી બાર બોરની બંદૂકમાંથી કર્યો હતો.
આમ, પરવાનો ન હોવા છતાં પુત્રને ફાયરિંગ માટે બંદૂક આપી હથિયારધારાનો ભંગ કરવા બદલ ભાટિયા પોસ્ટના પી.એસ.આઇ. એલ.એલ. ગઢવીએ જાતે ફરિયાદી બની, અખુભા ભાયલુભા જાડેજા તથા તેના પુત્ર યશપાલસિંહ જાડેજા સામે હથિયારાની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.