શહેરના બાવરીવાસ વિસ્તારમાંથી પોલીસે ચોરીનો મુદ્દામાલ હેરાફેરી કરવાની તૈયારીમાં રહેલા તસ્કર ત્રિપુટીને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ખોડિયાર કોલોનીમાં હનુમાન ટેકરી ખુલ્લા ફાટક પાસે રામાપીરના મંદિર નજીક રહેતા અશોકભાઇ ખીમજીભાઈ ગેડીયા નામના યુવાનના બંધ મકાનમાં રૂમના અને રસોડાના દરવાજાના નકૂચા તોડી અંદર પ્રવેશ કરી રૂા.31 હજારની રોકડ રકમ અને સોનાની એક વીંટી તથા સોનાના નાકના ચાર દાણા તેમજ ચાંદીના સાંકળાની બે જોડી, એલસીડી ટીવી બે નંગ ઉપરાંત ઇન્ડિયન ગેસના ત્રણ બાટલા, 95 નંગ કાસાની થાળી તથા તેલના ત્રણ ડબ્બા અને 10 નવી સાડી સહિત રૂા.69,700 ના દાગીના અને સામાન મળી કુલ રૂા.100700 ની માલમતા ચોરી કરી ગયા હતાં.
દરમિયાન આ ચોરીમાં બાવરીવાસમાં રહેતી ત્રિપુટી સંડોવાયેલી હોવાની હેકો પ્રવિણ ખોલાને મળેલી બાતમીના આધારે કે.એલ. ગાધે, પીએસઆઈ આર.એલ.ઓડેદરા, વી.એલ. પરમાર અને હેકો પ્રવિણ ખોલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા ફિરોજ ખફી સહિતના સ્ટાફે ખુલ્લા ફાટક પાસે બાવરીવાસમાં રહેતા સાજણ વીરશી પરમાર, મહિપાલ કિરણ કોળી, વિરુ લાલા ડાભી નામના ત્રણ તસ્કરોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.28, 000 ની કિંમતના બે ચોરાઉ એલઈડી ટીવી, રૂા.5400 ની કિંમતની કાંસાની 36 નંગ થાળી તથા રૂા.4500 ની કિંમતના ગેસના ત્રણ બાટલા સહિતના ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં ઘરફોડ ચોરી આચરનાર તસ્કર ત્રિપુટી ઝડપાઇ
હનુમાન ટેકરી નજીકથી ઘરવખરીની ચોરી: ચોરાઉ એલઈડી ટીવી, કાંસાની થાળી અને ગેસના બાટલા કબ્જે