આણંદમાંથી ઝડપાયેલા પાકિસ્તાન માટે જાસૂસી કરતાં શખ્સને મોબાઇલનું સીમકાર્ડ જામનગરથી પહોંચાડવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જામનગરના શખ્સ દ્વારા સીમકાર્ડ એકટીવેટ કરાવીને આણંદના શખ્સને પહોંચાડવામાં આવ્યું હતું. ગઇકાલે ગુજરાત એટીએસના અધિકારીઓએ ભારતીય સેનાની જાસૂસી કરવાના અત્યાર સુધીના સોથી મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. મોબાઇલ ફોન હેક કરીને જાસૂસી કરી રહેલાં પાકિસ્તાનના પૂર્વ નાગરિકની આણંદના તારાપુરથી ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતમાં જાસૂસી કરતાં એક યુવકને એટીએસએ આણંદથી ઝડપી પાડ્યો છે. પાકિસ્તાની સંસ્થા તરફથી જાસૂસી કરતો આ યુવક ભારતીય લશ્કરના નંબર પાકિસ્તાનમાં પહોંચાડતો હતો. તે ઉપરાંત ટેક્નોલોજીથી ડિફેન્સના કર્મચારીઓના ફોનમાં ટ્રોઝન કરીને વિવિધ માહિતી પાકિસ્તાનમાં તેના આકાઓ સુધી મોકલતો હતો. આ માહિતી આપવાના બદલામાં તેને મોટી રકમ મળતી હોવાનું એટીએસને જાણવા મળ્યું છે. આરોપી હાલ એટીએસની કસ્ટડીમાં લઈ લેવાયો છે અને ઉલટ તપાસ ચાલુ કરવામાં આવી છે.
એટીએસ દ્વારા શંકાસ્પદ મોબાઇલ નંબર અંગે તપાસ શરૂ કરવામાં આવતાં તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જામનગરમાં રહેતાં મહમદ સકલેન ઉમર થઇમ નામના વ્યકિતએ પાકિસ્તાની જાસૂસના કહેવાથી પોતાના નામે સીમકાર્ડ ખરીદી જામનગરમાં અસગર મોદીની દુકાનેમાં એકટીવેટ કરાવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન એમ્બેસીના વ્યકિતના કહેવાથી તારાપુરમાં રહેતાં લાભશંકર મહેશ્ર્વરીને મોકલી આપવામાં આવ્યું હતું. આ માહિતીના આધારે એટીએસ દ્વારા લાભશંકર મહેશ્ર્વરીની અટકાયત કરવામાં આવી હતી.