દેશમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેર ખૂબ ભયાનક બની રહી છે તેમ છતાં કેન્દ્ર સરકારની મોટા પાયે લોકડાઉન લાગુ કરવાની કોઈ જ યોજના નથી. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે મંગળવારે વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં સરકાર મોટા પાયે લોકડાઉન લાગુ નહીં કરે અને ફક્ત સ્થાનિક ક્ધટેનમેન્ટ દ્વારા મહામારીનો સામનો કરશે તેમ સ્પષ્ટ કર્યું હતું.
નાણાં મંત્રાલયની ટ્વીટમાં લખ્યું હતું કે, ’નાણાં મંત્રીએ વિશ્વ બેંકના પ્રમુખ સાથે મહામારીની બીજી લહેરનો સામનો કરવા માટે ભારત તરફથી ઉઠાવવામાં આવતા પગલાઓની સમીક્ષા શેર કરી. તેમાં ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ, વેક્સિનેશન સહિતની 5 સ્તંભની યોજના સામેલ છે.
નાણાં મંત્રીએ કહ્યું હતું કે, બીજી લહેર સાથે અમે સંપૂર્ણપણે સ્પષ્ટ છીએ કે, મોટા પાયે લોકડાઉન લાગુ નહીં કરવામાં આવે. અમે અર્થતંત્રને સંપૂર્ણપણે અવરોધવા નથી માંગતા. સ્થાનિક સ્તરે દર્દીઓના આઈસોલેશન કે હોમ ક્વોરેન્ટાઈન દ્વારા સ્થિતિ સંભાળી શકાશે. બીજી લહેરને સંભાળી લેવાશે અને લોકડાઉન નહીં લાગુ કરાય.