જામનગર તાલુકાના દરેડ ગામમાં રવિવારે સાંજના સમયે ગર્ભવતી નેપાળી મહિલા ઉપર કોઇ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ હત્યારાએ ઘરના કબાટમાંથી ત્રણ હજારની રોકડ રકમ અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હત્યા તથા લૂંટને અંજામ આપનાર શખ્સની સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
હત્યા અને લૂંટના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં સીએનજી પંપની પાછળના ભાગે આવેલા ગોડાઉન ઝોનના સર્વે નં. 45 માં 96 નંબરના પ્લોટમાં રહેતા અને મજૂરીકામ કરતા ઈન્દ્રબહાદૂર નરબહાદૂર બદુવાલ નામનો યુવાન રવિવારે મજૂરીકામે ગયો હતો અને તેની ગર્ભવતી પત્ની ભુમીશાહી ઉર્ફે અંજુ બદુવાલ (ઉ.વ.39) નામની મહિલા તેણીના ઘરે એકલી હતી. તે દરમિયાન બપોરના સમયે અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી ગર્ભવતી મહિલાના માથાના ભાગે અને નાક તેમજ કપાળના ભાગે કોઇ બોથડ હથિયાર ઘા ઝીંકયા હતાં તેમજ બન્ને હાથની હથેળી અને આંગણીઓમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી જીવલેણ હુમલો કરતા મહિલા લોહી-લૂહાણ હાલતમાં ઢળી પડી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ અજાણ્યા શખ્સે ઘરમાં રહેલા લોખંડના કબાટમાંથી રૂા.3 હજારની રોકડ અને મૃતક મહિલાનો રૂા.6000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.9 હજારની માલમતાની લૂંટ ચલાવી નાશી ગયો હતો.
ત્યારબાદ મજૂરીકામેથી પરત ફરેલા ઈન્દ્રબહાદૂરે ઘરમાં પત્નીનો મૃતદેહ નિહાળતા અવાચક થઈ ગયો હતો. બાદમાં આ બનાવ અંગેની જાણ કરતા ગ્રામ્ય ડીવાયએપી કૃણાલ દેસાઇ અને પંચ બી પીએસઆઇ સી.એમ.કાંટેલિયા તથા એલસીબી, એસઓજી અને ગુન્હાશોધક શ્વાન સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પહોંચી મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો અને આ હત્યા તથા લૂંટના બનાવમાં આજુબાજુના સીસીટીવી ફૂટેજો નિહાળતા તેમાં એક અજાણ્યો શખ્સ શંકાસ્પદ જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે આ અજાણ્યા શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં અને મૃતકના પતિ ઈન્દ્રબહાદુરના નિવેદનના આધારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હત્યા અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લૂંટ કરવા આવેલા શખ્સે ગર્ભવતી મહિલાની હત્યા નિપજાવી
હત્યારાએ ઘરમાંથી રોકડ રકમ અને મોબાઇલ ફોનન લૂંટ ચલાવી : સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા અજાણ્યા હત્યારાની શોધખોળ