Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારસાંસદને સફળતા : ખંભાળિયા અને સલાયા વચ્ચે રેલ્વે લાઈન પુન: સ્થાપિત કરાશે

સાંસદને સફળતા : ખંભાળિયા અને સલાયા વચ્ચે રેલ્વે લાઈન પુન: સ્થાપિત કરાશે

1980 માં માત્ર 25 પૈસા ટિકિટમાં સલાયાથી રાજકોટ વચ્ચે દરરોજ બે ટ્રેન દોડતી

- Advertisement -

ખંભાળિયાથી સલાયા વચ્ચે અગાઉ રેલ વ્યવહાર હતો. જે આશરે સાડા ચાર દાયકાના વિરામ પછી આ રેલ્વે લાઈન પૂર્વવત શરૂ થવા જઈ રહી છે. હાલારના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી ખંભાળિયાથી સલાયા વચ્ચેનો રેલવે માર્ગ પુન: ધમધમતો થશે.

- Advertisement -

ખંભાળિયાથી સલાયા બંદર વચ્ચે વર્ષ 1980 માં મીટર ગેજ ટ્રેન દોડતી હતી. સલાયા વિસ્તારમાં ત્રણ સોલ્ટ વકર્સ આવેલા હોય, તેમાંથી મીઠાના રેક ભરાતા હતા. અહીંથી મીઠું અન્ય સ્થળે રેલવે મારફતે નિકાસ થતું હતું. આટલું જ નહીં, દરરોજ ટ્રેનના લગેજ રેકમાં મચ્છી પણ છેક મુંબઈ સુધી જતી હતી. પરંતુ સમય જતા ધીમે ધીમે મુસાફરોની સંખ્યા ઘટતા તેમજ ટ્રેનનો ઔદ્યોગિક વપરાશ ઓછો થતા અગાઉ મીટર ગેજની ટ્રેન બ્રોડગેજમાં રૂપાંતર થઈ ન હતી અને અંતે ઓખા – વિરમગામ બ્રોડગેજ થયા પછી આ સ્ટેશન જ બંધ થઈ ગયું હતું. બાદમાં ધીરે ધીરે રેલ્વે ટ્રેક પરથી પાટા પણ નીકળી ગયા હતા. અંતમાં અહીંના રેલવે સ્ટાફને પણ અન્ય સ્થળે મૂકી દેવામાં આવ્યો હતો.

આશરે સાડા ચાર દાયકાથી સલાયા-ખંભાળિયા રેલ્વે લાઈન બંધ હોવાથી સલાયા રેલ્વે સ્ટેશન કે જ્યાં અગાઉના વર્ષોમાં રેલવે સ્ટેશનનું માત્ર જર્જરિત ઈમારત જ ઊભું હતું, ત્યાં મોટી સંખ્યામાં હાલ દબાણ થઈ ગયા છે. આટલું જ નહીં, આ વિસ્તારોમાં ઝુપડપટ્ટી તેમજ કેટલાક કાચા-પાકા મકાનો પણ ઊભા થઈ ગયા છે. તો આ રેલવે ટ્રેક નજીક પુલિયા પાસે પણ સલાયા-ખંભાળિયા ટ્રેક પર દબાણ થઈ ગયા છે. આવા દબાણો દૂર કરવા પણ રેલવે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ અંગે સ્થાનિક અગ્રણીઓ દ્વારા જાણવા મળતી વિગત મુજબ સલાયાથી રોજ સવારે પાંચ વાગ્યે તેમજ બપોરે એમ બે વખત ટ્રેન જતી તેમજ આવતી. જેને સલાયા ટ્રોલી કહેવાતી. આ લોકલ ટ્રેન રાજકોટ સુધી જતી અને તેનું ભાડું ત્યારે ખંભાળિયાનું 25 પૈસા હતું. આ ટ્રેન મીઠાના વેપાર તેમજ માછીમારી માટે ખૂબ જ ખૂબ જ ઉપયોગી હતી.

સલાયા બંદર ખાતે વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવામાં આવે છે. આ માછલી ચેક મુંબઈ સુધી પહોંચાડાય છે. અહીં મીઠાના કારખાના પણ આવેલા છે. તેમજ નજીકમાં કોલસા આધારિત ભાવી 3120 એમ.ડબલ્યુ.નો સલાયા પાવર પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. સલાયા નજીક એસ્સાર દ્વારા બંદર બનાવવામાં આવ્યું છે. જે કોલ ટર્મિનલ તરીકે વિકાસ પામી રહ્યું છે. તેમજ ગ્લોબલ તેમજ એનર્જી મોનિટર તરીકે ભવિષ્યમાં વિકાસ પામનાર છે.

- Advertisement -

હાલમાં જ રાજ્ય તથા કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં પણ મત્સ્યોદ્યોગથી પુષ્કળ વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થયું હોય તથા આ ઉદ્યોગ વિકસાવવા માટે ખાસ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ત્યારે સલાયા – ખંભાળિયા રેલ્વે લાઈન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અગાઉ નજીકના હાઈવે પર આવેલા વ્યાસ પરોઠા હાઉસ પાસે રેલવે ફાટક હતું તે પણ પુન: બને તેવી શક્યતા છે.

રેલવેની ભાષામાં જે રેલવે સ્ટેશનથી અન્ય રેલવે સ્ટેશને જવા માટે જુદી લાઈન પડતી હોય અને ટ્રેન બદલવી પડે તેને જંકશન કહેવાય છે. અગાઉ ખંભાળિયામાં રેલવે જંકશન હતું. સલાયા જવા માટે અહીંથી ટ્રેન બદલવી પડતી હતી. તે જંકશન હવે પુન: થાય તો નવાઈ નહીં. ખંભાળિયા સ્ટેશનથી સલાયામાં જૂની રેલવે લાઇનના ટ્રેક પર કામ શરૂ થયું છે. અગાઉના વર્ષોમાં સલાયા સુધી મીટર ગેજ ટ્રેન દોડતી હતી, જે હવે ઈલેક્ટ્રીક બ્રોડગેજ ટ્રેન દોડતી થશે…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular