Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભાણવડ નજીકથી રૂા.16.25 લાખના મુદ્દામાલ સાથે સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

ભાણવડ નજીકથી રૂા.16.25 લાખના મુદ્દામાલ સાથે સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

ઘઉં અને ચોખાનો જથ્થો સીઝ કરાયો : ત્રણ શખ્સોની સંડોવણી ખુલ્લી : સાત લાખનો ટ્રક અને અનાજનો જથ્થો કબ્જે

- Advertisement -

દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક વેરાડના ત્રણ પાટીયા પાસેથી પસાર થતા ટ્રક અને ખાનગી ગોડાઉનમાં રહેલો સરકારી અનાજનો જથ્થો શંકાસ્પદ જણાતા મામલતદાર અને પોલીસની ટીમે રેઈડ દરમિયાન ઘઉં અને ચોખાનો જથ્થો તથા ટ્રક મળી કુલ રૂા. 16.25 લાખનો માલસામાન સીઝ કરી ત્રણ શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર મુકેશ પંડયા અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પૂરવઠા અધિકારી તથા ભાણવડ તાલુકા મામલતદાર અને પૂરવઠાની ટીમ તથા પોલીસ વિભાગે મળેલી બાતમીના આધારે ભાણવડ નજીક ત્રણ પાટીયા વેરાડ પાસેથી પસાર થતા જીજે-25-ટી-9987 નંબરના ટ્રકને આંતરીને ચેકિંગ હાથ ધરતા તેમાં સરકારી અનાજનો જથ્થો શંકાસ્પદ હોવાનું જણાયું હતું તેમજ પૂછપરછ હાથ ધરતા આ જથ્થો વેરાડની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં અનાજના ગોડાઉનમાં વધુ જથ્થો હોવાનું જણાતા ટીમ દ્વારા રેઈડ દરમિયાન ગોડાઉનમાંથી રૂા.1,97,800 ની કિંમતના 8600 કિલો ઘઉં અને રૂા.7,27,500 ની કિંમતના 29,100 કિલો ચોખા તેમજ 7 લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂા.16,25,300 નો મુદ્દામાલ કબ્જે કરી સીઝ કરવામાં આવ્યો હતો.

મામલતદાર અને પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં રાજુ નગા ચેતરીયા, ડ્રાઈવર નાથા અરજણ ભણસુર અને મુકેશ રતનજી દુધરેજીયા નામના ત્રણ શખ્સો આ પ્રકરણમાં સંડોવાયેલા હોવાનું ખુલતા તંત્રએ ત્રણેય શખ્સો વિરૂધ્ધ આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમની કલમ મુજબ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular